પાવીજેતપુરમાં ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન ની તૈયારી માટે મહિલાઓ રક્ષાની ખરીદીમાં લાગી જઈ, રક્ષાબંધન પર્વની ઉજવણીમાં ઉત્સાહ- ઉમંગ સાથે જોતરાઈ જતા બજારમાં ગ્રાહકી જોવા મળતા વેપારીઓમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

          ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વ હિન્દુ સમાજ માટે ખુબ જ મહત્વ ધરાવતો પર્વ છે. રક્ષાબંધન પર્વની ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે બજારમાં રક્ષા ની ખરીદી કરતી બહેનો નજરે પડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રક્ષાબંધન પર્વ ઉજવવામાં જોઈએ તેવી મજા આવી નથી. રક્ષાબંધનની ઉજવણી માં કોરોના નો કહેર ના કારણે વિક્ષેપ પડ્યો હતો. જેથી રક્ષાબંધન પર્વની ઉજવણીમાં મજા આવતી ન હતી.

               તહેવાર પ્રિય ગુજરાતની પ્રજા રક્ષાબંધન પર્વની ઉજવણીમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે જોડાઈ જવા પામેલ છે બહેન ભાઈને રક્ષા તો બાંધે પરંતુ ભાભી ને પણ રક્ષા બાંધે છે અને છેલ્લા કેટલાક સમયથી ભાભી રક્ષાની પણ બોલબલા ખૂબ વધી જવા પામી છે બજારમાં અવનવી ડિઝાઇન ની અંદર ભાભી રક્ષા મળતી થઈ ગઈ છે. વેપારીઓ પણ ગ્રાહકને રિઝવવા માટે નવી નવી સ્કીમો બજારમાં મૂકી રહ્યા છે. ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની ગિફ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાંદીની રક્ષા, કસબની રક્ષા, એડી ડાયમંડ ની રક્ષા, વિવિધ મનકા મોતી અને ધાર્મિક છાપો ની રક્ષાઓ, દોરીઓ બનાવવામાં આવી હતી. સાથે સાથે બાળકોને આકર્ષવા માટે વિવિધ કાર્ટુન ની લાઈટોવાળી રક્ષાઓએ બજારમાં ધૂમ મચાવી રહી છે. જ્યારે ઉનના ગોટાતો બજારમાંથી ગાયબ જ થઈ ગયા હોય એમ લાગે છે. હાલ રક્ષાબંધન પર્વને કારણે બજારમાં ધીમે ધીમે ગ્રાહાકી વધી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે રક્ષાબંધન ખૂબ જ સારી જશે. સામન્ય રીતે છેલ્લા બે દિવસમાં બધી જ રક્ષા ઓ નો નિકાલ થઈ જતો હોઇ છે.

            આમ, પાવીજેતપુરમાં રક્ષાબંધનની ખરીદી નીકળતા વેપારીઓમાં આનંદ ની લહેર જોવા મળી રહી છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની ઉજવણીમાં ગૃહિણીઓ ખૂબ જ જોશ અને જોમથી જોતરાઈ ગઈ છે. જે બહેનોના ભાઈ દેશ-વિદેશમાં દૂર રહેતા હોય તેઓને એડવાન્સમાં જ કુરિયર કરી રક્ષા પહોંચાડી દેવામાં આવી રહી છે.