બનાસકાંઠામાંથી વિદેશી દારૂ સાથે ઝડપાયેલા બુટલેગરના રિમાન્ડમાં સીમકાર્ડ ગ્રાહકોની જાણ બહાર તેમના નામના ડમી સીમકાર્ડથી દારૂની હેરાફેરી સહિત વેપલો કરવામાં આવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.એલસીબીની ટીમે ખુદ એરટેલ કંપનીના પ્રમોટર સહિત ચાર શખ્સોને દબોચી લઇ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ડમી સીમકાર્ડનો ઉપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.

આ અંગે પી.આઇ. ડી. આર. ગઢવીએ જણાવ્યું હતું કે, તા. 31 ઓગષ્ટ 2023ના રોજ અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટથી ટ્રકમાંથી રૂપિયા 26,75,073ના વિદેશી દારૂની બોટલ નંગ 12216 સાથે ચાલક રાજસ્થાનના પાલી જીલ્લાના રાણીનો અર્જુનકુમાર સુખદેવ ભીલ અને રાબડીયાનો સરદારરામ શીવનાથ દેવાશીને ઝડપી લીધા હતા. જેમની પાસેથી મળેલા ડમી સીમકાર્ડની તપાસ કરતાં એરટેલ કંપનીના પ્રમોટર મુળ સિધ્ધપુર તાલુકાના મેત્રાણાનો હાલ પાલનપુર તાલુકાના મડાણા ગામે રહેતો સાહીલભાઇ સુલતાનભાઇ મીર જેણે પાલનપુર તાલુકાના ખોડલા ગામના મનુભાઇ પરસોત્તમભાઇ નાઇના નામનું ડમી સીમકાર્ડ તેમની જાણ બહાર કાઢી લીધુ હતુ. અને ડીસા ગવાડીના રેહાનખાન જમીલ અહમદ ઉસ્માનભાઇ કુરેશી, અરબાજભાઇ ઇકબાલભાઇ શેખ અને દાંતીવાડા તાલુકાના રામનગરનો કમલેશસિંહ જુગનારસિંહ ચૌહાણને વેચી દીધા હોવાનું સામે આવ્યું હતુ.પોલીસે ચારેય જણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બુટલેગર પાસેથી મળેલા ડમી સીમકાર્ડની તપાસ કરતાં તે ખોડલા ગામના યુવકના નામનું હોવાનું સામે આવ્યું હતુ.જેમાં એરટેલ કંપનીનો પ્રમોટર સાહિલ મીરે આ યુવકના ફિંગર પ્રિન્ટ બે વખત લીધા હતા. જેના તેમજ ડોક્યુમેન્ટનો દૂરપયોગ કરી બીજુ સીમકાર્ડ એકટિવ કરી વેચી માર્યુ હતું.

એલસીબીની ટીમે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી એરટેલ કંપનીના બે પ્રમોટર સહિત ચાર શખ્સોની અટકાયત કરી હતી. જેમને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જેમાં આ શખ્સ કેટલા ડમી સીમકાર્ડ બનાવ્યા, સીમકાર્ડ વેચાણથી કેટલા નાણાં મેળવ્યા સહિતની પુછપુરછ કરવામાં આવશે.