(રાહુલ પ્રજાપતિ,હિંમતનગર)
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં જઈ રહેલા કેટલાક મુસાફરોને પોતાની ઈકોમાં બેસાડી સિફતપૂર્વક રોકડની ચોરી કર્યાની નોંધાયેલી ફરીયાદ બાદ એલસીબીએ સોમવારે બાતમીને આધારે ધાણધા ફાટક પાસેથી જણાને ઝડપી લઈ અંદાજે રૂા. પ.૧૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમની પાસેથી વધુ વિગતો મેળવવા પુછપરછ હાથ ધરાઈ હતી. જેમાં વધુ બે સામેલ હોવાનું કબુલતા પોલીસે તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે એલસીબીના પી.આઈ એ.જી.રાઠોડના જણાવાયા મુજબ ચારેક મહિના અગાઉ પ્રકાશભાઈ બાબુભાઈ દંતાણી, રામુભાઈ પોપટભાઈ પટણી, પ્રકાશભાઈ ચમનભાઈ પટણી અને અંજાબેન મારવાડી ઈકો લઈ હિંમતનગરથી વિજાપુર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક કાકાને પેસેન્જર તરીકે બેસાડી રસ્તામાં ઈકો ઉભી રાખી કાકા પાસેથી રૂા. પ૦ હજારની સિફતપૂર્વક ચોરી કરી ભાગી જતાં તેમની વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
તેજ પ્રમાણે તાજેતરમાં મહેતાપુરાથી દાવડ જતાં આ ચારેય જણાએ એક કાકાને ઈકોમાં બેસાડી પાણપુર પાટીયા નજીક ઉતારી દઈ તેમની પાસેથી રૂા. ૪ હજારની ચોરી કરી લઈ ગયા હતા. ઉપરાંત ચાર દિવસ અગાઉ આ ગેંગના પ્રકાશભાઈ દંતાણી, રામુભાઈ પટણી, અનિતાબેન દંતાણી અને અંજાબેન મારવાડીએ પણ પોસ્ટઓફીસથી જામળા જવાનું કહી એક મુસાફરને બેસાડી મહેતાપુરા પુલના છેડે તેમને ઉતારી દઈ રૂા. ૪૦ હજાર સિફતપૂર્વક કાઢી લીધા હતા. જે અંગેની ફરીયાદ પણ બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જે અંતર્ગત ધાણધા ફાટક પાસેથી પ્રકાશભાઈ દંતાણી(રહે.સરદારનગર), રામુભાઈ પટણી(રહે. ચમનપુરા, અમદાવાદ) અને અનિતાબેન દંતાણી સરદાનગરને ઈકો, મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ પુછપરછમાં પ્રકાશ ઉર્ફે જાડીયો પટણી અને અંજાબેન મારવાડી સામેલ હોવાનું જણાવતા પોલીસે તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેમની પાસેથી એક જ નંબરની બે નંબર પ્લેટ પણ મળી આવી હતી.