બનાસકાંઠા જિલ્લામાં આજે સીપુ ડેમમાંથી ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. આગામી ફેબ્રુઆરી મહિના સુધી આ પાણી છોડતા ખેડૂતોની 1000 હેક્ટરથી પણ વધુ જમીનને સિંચાઈનો લાભ મળી રહેશે.
બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ દિવસને દિવસે ઊંડા જઈ રહ્યા છે જેથી ખેડૂતોને પણ સિંચાઈ માટે પીવાના પાણીની તાથી જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સીપુ ડેમમાં 2017 બાદ આ વર્ષે પાણી આવ્યું હતું અને અત્યારે આ ડેમમાં 591 ફૂટ પાણી છે એટલે કે 30 ટકા જેટલું પાણી છે.
ત્યારે ડીસા તાલુકાના ખેડૂતોની માંગણી અને ધારાસભ્યની રજૂઆતને પગલે આજે ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને હસ્તે સીપુ ડેમમાંથી આજે 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણીથી ડીસા તાલુકાના લગભગ 25 જેટલા ગામના ખેડૂતોને લાભ થશે અને 1,000 હેક્ટરથી પણ વધુ જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે.