ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તહેવારોને લઇ ફુડ વિભાગ પણ એલર્ટ બન્યું છે અને અખાર્ધ ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડી શંકાસ્પદ ચીજ વસ્તુઓના સેમ્પલ લઇ તપાસ હાથ ધરી છે.

દિવાળીના તહેવારોમાં ફરસાણ અને મીઠાઈનું વેચાણ ખૂબ જ વધી જાય છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવાની લાલચમાં અખાર્ધ ચીજવસ્તુઓ વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. આવા તત્વોને ડામવા માટે ફુડ વિભાગ હવે એલર્ટ બન્યું છે. ડીસામાં આજે ફુડ વિભાગની ટીમે અલગ અલગ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડ્યા હતા.

અખાર્ધ ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી શંકાસ્પદ ચીજવસ્તુઓના સેમ્પલ પણ લીધા હતા. જેમાં મીઠાઈ, માવા અને નમકીનના સેમ્પલ લઇ વધુ તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યા છે. જ્યારે ફુડ વિભાગના અચાનક દરોડાથી અખાર્ધ ચીજવસ્તુઓ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.