અમદાવાદ શહેરના શીલજમાં એક સોસાયટીમાં એકલી રહેતી મહિલાને તેના જ ફ્લેટમાં બંધક બનાવી પાંચ શખસે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. ગતરાત્રે અમદાવાદમાં ગેંગરેપ અને લૂંટના ગુનાને અંજામ આપી ફરાર થયેલા પાંચેય નરાધમનો બનાસકાંઠા પોલીસે ગણતરીની કલાકોમાં જ દબોચી લીધા છે. ઝડપાયેલા પાંચેય આરોપી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.

શીલજ ગામ પાસે આવેલી ડીપીએસ સ્કૂલ નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના ફ્લેટનું વીજ કનેકશન નરાધમો દ્વારા રાત્રિના સમયે કટ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ આરોપીઓ એપાર્ટમેન્ટમાં ઘૂસ્યા હતા અને મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. નરાધમો દ્વારા અન્ય એક મહિલા પર પણ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પીડિતાના ઘરમાંથી રોકડ રકમ, લેપટોપ સહિતની ચીજવસ્તુની લૂંટ પણ ચલાવી હતી. રાત્રિના સમયે બનેલા આ બનાવ બાદ ગભરાયેલી પીડિતાએ વહેલી સવારે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદના પોશ ગણાતા વિસ્તારમાં ગેંગરેપ અને લૂંટની ઘટના બનતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી અને ગુનાને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આરોપીઓ પાલનપુર તરફ ભાગ્યા હોવાની જાણ થતાં બનાસકાંઠા પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. બનાસકાંઠા એલસીબી સહિતની ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી પાલનપુરના એરોમા સર્કલ પાસેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી પાંચેય નરાધમને ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ રાજસ્થાન ભાગી જવાની ફિરાકમાં હતા.

બનાસકાંઠા પોલીસે ગેંગરેપ અને લૂંટ મામલે જે પાંચ આરોપીને દબોચ્યા છે. તે તમામ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. પાંચેય આરોપીઓના નામ નીચે મુજબ છે.

1. અમૃતપાલસિંહ ઉર્ફે ગોલ્ડી નિર્મલસિંહ

2. મનજિતસિંહ ઉર્ફેઅજય જગજિતસિંહ

3. રાહુલસિંહ વિનોદસિંહ બંસીલાલ

4. હરિઓમ ઉર્ફે લાલજી કોમલસિંહ જયસિંહ ઠાકુર

5. સુખવિંદર ઉર્ફે આકાશ જગજિતસિંહ

આ અંગે બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેંગરેપ અને લૂંટનો બનાવ બન્યા બાદ આરોપીઓ ગુજરાત છોડી રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી મળી હતી, જેથી બનાસકાંઠા એલસીબી અને લોકલ પોલીસની તમામ ટીમો નાકાબંધીમાં લાગી હતી. આરોપીઓ કયા વાહનમાં ભાગ્યા છે એની માહિતી ન હતી. જેથી અમે હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી હતી. પાલનપુરના એરોમા સર્કલ પાસેથી પસાર થતી એક બસમાંથી પાંચેય આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધા હતા, જેઓની પાસેથી તમામ મુદ્દામાલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે.