ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર આજે સવારે રસ્તા વચ્ચે અચાનક ઊંટ દોડી આવતા બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમા બસનો આગળનો ભાગ તૂટી ગયો હતો જ્યારે બસમાં સવાર 23 મુસાફરોનો અદભુત બચાવ થયો છે
ડીસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં આજે વહેલી સવારે ધાનેરા - નડિયાદ બસ ડીસાથી પાલનપુર તરફ જઈ રહી હતી અને રસાણા ગામ પાસેથી પસાર થઇ રહી હતી તે સમયે અચાનક રસ્તા વચ્ચે ઊંટ દોડી આવતા બસ ચાલકે તરત જ બ્રેક લગાવી હતી અને બસ 50 ફૂટ જેટલી ઢસડાઈ હતી તેમ છતાં પણ અચાનક રસ્તા વચ્ચે આવેલા ઊંટને બસ ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ઊંટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બસનો આગળનો કાચ સહિતનો ભાગ નુકસાનગ્રસ્ત થયો હતો. સદનસીબે બસમાં સવાર 23 જેટલા મુસાફરોનો અદભુત બચાવ થયો હતો. અકસ્માતના કારણે તમામ મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી જ્યારે ડીસા એસટી વિભાગ દ્વારા અન્ય બસની વ્યવસ્થા કરી મુસાફરોને રવાના કરાયા હતા.