સુરતમાં કતારગામ જીઆઇડીસીમાં બે માળની બિલ્ડિંગ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગમાં ચાલતા એમ્બ્રોડરી ખાતામાંથી કારીગરો નીકળી જતા બચી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર અને પાલિકાનો કાફલો દોડી આવ્યો હતો. પત્તાના મહેલની જેમ બિલ્ડિંગ ધરાશાયી થતાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને નજરે જોનાર સકીચંદ સહાનીએ જણાવ્યું હતું કે, પહેલા બિલ્ડિંગમાંથી થોડો થોડો ભાગ પડી રહ્યો હતો. બાદમાં આખું બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. હું બિલ્ડિંગની નીચે લારીમાં પૂરી-શાક બનાવી રહ્યો હતો. આ બિલ્ડિંગમાં એમ્બ્રોડરીનું કારખાનું હતું. સવારે હું આવ્યો તો બિલ્ડિંગમાંથી ધીમે ધીમે કાટમાળ પડી રહ્યો હતો. પણ સવારના 7 વાગ્યા તો વધારે કાટમાળ પડવા લાગ્યો હતો. ત્યારબાદ બધા કારીગરો બિલ્ડિંગમાંથી નીકળી ગયા હતા. બેથી ત્રણ સેકન્ડમાં આખું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું. અંદર 6 લોકો હતા તે તમામ બહાર નીકળી ગયા હતા. બધા જ દોડીને બહાર આવ્યા હતા. હું પણ બચવા માટે દોડીને બીજી તરફ જતો રહ્યો. મારી લારી, સામાન અને મોબાઈલ બધુ જ કાટમાળ હેઠળ દટાઇ ગયું છે.