સુરતના વૈશાલીબેન યોગેશભાઈ ચૌધરીને મોટા વરાછા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર કરાયેલા PM આવાસમાં રૂ.૬ લાખમાં મકાન પ્રાપ્ત થયું છે. સરકારની સહાય થકી વૈશાલીબેન ચૌધરી જેવી સામાન્ય મહિલા માટે ઘરના ઘરનું સપનું પુરૂં થયુ છે.

                વૈશાલીબેન ચૌધરી સુરતના મોટા વરાછા સ્થિત નાથુનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓ જણાવે છે કે, અમારા જેવા ટૂંકી આવકવાળા પરિવાર માટે સુરત શહેરમાં ઘર ખરીદવુ એ દિવાસ્વપ્ન સમાન હોય છે. એકવાર અખબારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત જોઈ અને આવાસ વિશે જાણકારી પ્રાપ્ત થઇ. જેથી ફોર્મ ભર્યું અને લકી ડ્રોમાં નંબર લાગતા માત્ર રૂ.૬ લાખની નજીવી કિંમતે આવાસ મળ્યું છે.

                વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ૮ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા અને દર મહિને રૂ. ૩૫૦૦ ભાડું ભરતા હતા. દર મહિને આટલુ ભાડું ભરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી. કેટલીક વાર મકાન ખાલી કરવાની પણ નોબત પણ આવી હતી. હવે સ્થાયી આવાસ મળતા આ તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો છે. 

             નોંધનીય છે કે, મોટા વરાછાના પી.એમ. આવાસો આર.સી.સી. ટાઈપના ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર આધારિત તૈયાર થયેલા છે. સાથે જ તેમાં ડ્રેનેજ નેટવર્ક, ગેસ લાઈન, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, કંપાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રન્સ ગેટ, વોચમેન રૂમ, માર્જીનની જગ્યામાં પેવર બ્લોક, વૃક્ષારોપણ સહિત સી.ઓ.પી.ડેવલપમેન્ટ, LED સ્ટ્રીટલાઈટ, ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર (OWC), વોટર રિચાર્જીંગ બોર, અંડર ગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી સહિતની બાહ્ય સુવિધાઓથી સજ્જ છે. 

                આમ, સરકારની પી.એમ. આવાસ યોજના વૈશાલીબહેન જેવા લાખો લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ નિવડી છે.