ભાભર તાલુકાના ગોસણ નજીક સપ્તાહ અગાઉ કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. જેમાં ઇજાગ્રસ્ત ઘરના મોભીનું મંગળવારે અમદાવાદ સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક છ થયો છે.
ભાભર તાલુકાના ગોસણ ગામના પાટિયા નજીક સપ્તાહ અગાઉ ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાળકી સહિત પાંચ વ્યક્તિઓના મોત થતાં અરેરાટી પ્રસરી ગઇ હતી. જ્યારે પિતા અને પુત્રીને ગંભીર ઇજા થતાં મહેસાણા રિફર કરાયા હતા. પિતા ઈશ્વરભાઈ ધુડાભાઈ માળીની તબિયત વધુ લથડતાં અમદાવાદ સિવિલ લઇ જવાયાં હતાં જેઓનું મંગળવારે સવારે 11 કલાકે મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં એક જ પરિવારના કુલ 6 સભ્યોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. ઈશ્વરભાઈ માળી વાવના વતની હતા તેમજ તેમના પત્ની સહિત 2 દીકરા તેમજ 1 દીકરી સાથે કડી મુકામે શાકભાજીનો રિટેલ વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.