દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવા ડીસા ભાજપમાં જ એકતા જળવાઈ ન હતી. ભાજપનું નારાજ જૂથ અને નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરો સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા પણ ફરક્યા ન હતા.
અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ડીસામાં સરદારબાગમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ડીસા નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા સંયુક્ત રીતે રાખવામાં આવ્યો હતો. જોકે કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સંગીતા દવે, શહેર ભાજપ મહામંત્રી હકમાજી જોશી, કારોબારી ચેરમેન ગોવિંદ માખીજા, ભાજપના મહિલા કોર્પોરેટરો નયના સોલંકી, પુનમ ભાટી, પૂર્વ પ્રમુખ અમૃત અવસ્થી, દેવુ માળી તેમજ ભાજપના કાર્યકરો જયેશ દેસાઈ, સતિષ પંચાલ સહિત માત્ર ગણ્યા ગાંઠ્યા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ડીસા શહેરમાં ભાજપ પક્ષમાં તેમજ નગરપાલિકામાં જૂથવાદ ચાલી રહ્યો છે. ગઈકાલે પાલિકાના બોર્ડમાં પણ મહિલા પ્રમુખ સામે અપક્ષ અને ભાજપના જ સભ્યોએ વિરોધ કરી વિપક્ષની ભૂમિકા ભજવી હતી. દર વર્ષે મહાનુભાવોની જયંતિએ મોટા પ્રમાણમાં શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડતા ભાજપના નેતાઓ કે પાલિકાના ચૂંટાયેલા 27 કોર્પોરેટરમાંથી માત્ર 4 જ કોર્પોરેટરો સીવાય સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં જૂથવાદના કારણે ન આવી સરદાર પટેલનું અપમાન કર્યું હોવાનો મત શહેરીજનોમાં પ્રવર્તી રહ્યો છે.
સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે ડીસામાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલ બાગ, મહારાણા પ્રતાપ હાઇસ્કુલ અને ડીસા માર્કેટયાર્ડ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પી સરદાર પટેલ અમર રહો અને જય સરદારના નારા લગાવી સરદાર પટેલને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી. સમસ્ત પાટીદાર સમાજના અગ્રણીઓ કિર્તીભાઈ પટેલ, મૂળચંદ પટેલ, પ્રહલાદ પટેલ, પ્રવીણ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે ડીસા શહેર કોંગ્રેસ દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી, ડીસા પાલિકાના કોર્પોરેટર જગદીશ મોદી, પોપટજી દેલવાડીયા સહિત કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.