દેશભરમાં બટાકાના હબ બનેલા ડીસા પંથકમાં બટાકાની વાવેતરની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ખેડૂત પરિવારો બટાકાના બિયારણને કાપવામાં જોતરાઈ ગયા છે. ડીસા સહિતના પંથકોમાં બટાટાના વાવેતરની પ્રક્રિયા એક ઉત્સવરૂપે પૂર્ણ કરવામાં આવે છે.

સમગ્ર દેશમાં બટાટાનું સૌથી વધુ વાવેતર કરતા ડીસા પંથક સહિત બનાસકાંઠા જિલ્લામાં બટાકાની વાવેતરની સિઝન આવી ગઈ છે. ગામે ગામ ખેડૂતો બટાકાના વાવેતરની તૈયારીઓ ઉત્સવની માફક કરી રહ્યા છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કુલ 60000 હેક્ટરથી વધુ જમીનમાં બટાકાનું વાવેતર થશે. હાલમાં ખેડૂતોએ વાવેતર માટે પોતાના ખેતરો ખેડ કરી પ્લાઉ મારી તૈયાર કરી દીધા છે.

જ્યારે કોલ્ડ સ્ટોરેજોમાંથી બિયારણ લાવીને બિયારણ કાપવાની પ્રક્રિયામાં સમગ્ર ખેડૂત પરિવાર જોડાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોના સીમ વિસ્તારો હાલ બટાકાના વાવેતરની તૈયારીઓમાં સંપૂર્ણ ઓતપ્રોત થઈ ગયા છે. છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં ગરમી ઘટી અને ઠંડીનો અહેસાસ થવા લાગતા હવે બટાકાનું વાવેતર કરવાની તૈયારીઓ ખેડૂતોએ આરંભી દીધી છે.