ડીસા શહેર ઉત્તર પોલીસને બાઈક ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે અને શહેરમાં અલગ અલગ જગ્યાએથી ચોરાયેલા પાંચ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બાઈકની ચોરી કરનાર અને ખરીદનાર બંને શખ્સોની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસામાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેથી ડીસા શહેર ઉત્તર પોલીસે પણ બાઈક ચોરોને પકડવા માટે અથાગ પ્રયાસો હાથ ધર્યા હતા. તે દરમિયાન શંકાસ્પદ બાઈક સાથે થરાદના રામપુરા ગામનો અરવિંદ લુહાર પકડાયો હતો. જેમની કડક પૂછપરછ કરતાં તેણે બાઈકની ચોરી અંતરિયાળ સરહદી વાવના ઢીમા ખાતે રહેતા સુરેશ ઉર્ફે કોકી રાજપુત નામન શખ્સને બાઈક વેચ્યા હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરતા તેમની પાસેથી ચોરીના ચાર બાઇક મળી આવ્યા હતા. જ્યારે ડીસા શહેરમાં અલગ અલગ પાંચ જગ્યાએથી બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
જેમાં ડીસા શહેરમાં મોહન સાયકલ પાસેથી 20 દિવસ અગાઉ બાઈક ચોર્યું હતું. દોઢ મહિના અગાઉ શાકમાર્કેટ પાછળથી, એક વર્ષ અગાઉ એકસિસ બેંક આગળથી, દોઢ વર્ષ અગાઉ રેલ્વે સ્ટેશન અને એક વર્ષ અગાઉ ભણસાલી હોસ્પિટલ પાસેથી બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે ચોરીના ચાર બાઈક સહિત કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બાઈકની ચોરી કરનાર અને ખરીદનાર બંને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.