(રાહુલ પ્રજાપતિ)

વિજયાદશમી નિમિત્તે મંગળવારે હિંમતનગરમાં વિહિપ તથા અન્ય સંગઠનો ધ્વારા ભગવાનની રામની શોભાયાત્રાનું વાજતે ગાજતે આયોજન કરાયું હતુ. જે અંતર્ગત આ શોભાયાત્રા શહેરના વિવિધ સ્થળે આવેલ શણગારેલ સર્કલ પરથી પસાર થયા બાદ ટાવરચોક થઈ નગરપાલિકા ધ્વારા નવીન બનાવાયેલ જૂના બજારથી ખાડીયા વિસ્તારમાંથી પસાર થતાં રોડ પરથી નીકળી સમી સાંજે મહેતાપુરામાં આવેલ ઓવરબ્રિજ નીચે પહોચ્યા બાદ રાવણદહનના કાર્યક્રમ પછી સંપન્ન થશે.  આ નિમિત્તે ટાવરચોકથી જૂના બજાર પ્રવેશવાના માર્ગ પર આ વિસ્તારના મહિલા કોર્પોરેટર ધ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતુ.
આ અંગેની વિગત એવી છે કે દર વર્ષની જેમ આ વર્ષે વિજયાદશમી નિમિત્તે વિહિપ અને અન્ય હિંદુ સંગઠનો ધ્વારા ખેડ તસીયા રોડ પર આવેલ રામજી મંદિરથી મંગળવારે સાંજના સુમારે ભગવાન રામની શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતુ. ત્યારબાદ આ યાત્રા શહેરના વિવિધ સ્થળેથી પસાર થઈને વાજતે ગાજતે ટાવરચોકમાં આવી પહોંચી હતી.જ્યાં કેટલાક અખાડીયનોએ લાઠી અને તલવારના દાવ રજૂ કર્યા હતા. ત્યારબાદ આ શોભાયાત્રા ટાવરચોકથી જૂના બજારમાં પ્રવેશી ત્યારે આ વિસ્તારના મહિલા કોર્પોરેટર જાનકીબેન રાવલે શોભાયાત્રાનું પ્રતિકાત્મક સ્વાગત કર્યું હતુ.
રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા ખાડીયા થઈ પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ હાથમતી નદીના ઓવરબ્રિજ નીચે પહોચ્યા બાદ સંપન્ન થઈ હતી. તે પછી રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેને નિહાળવા માટે અનેક શહેરીજનો ઉમટી પડયા હતા. શોભાયાત્રાના સમગ્ર રૂટ પર પોલી ધ્વારા વાહનો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને આમ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ પોલીસ અને વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો હતો.