ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની નિષ્ક્રિયતા વચ્ચે કુડાસણમાં આવેલી પિત્ઝા હટમાં ફ્રેન્ડશીપ ડેનાં દિવસે પિત્ઝા ખાવાનું બે મિત્રોને ભારે પડી ગયું છે. બિન આરોગ્યપ્રદ જીવાતવાળા પિત્ઝા ખાધા પછી અચાનક એક યુવાનની તબીયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે. ત્યારે પિત્ઝામાં જીવાત-કીડા હોવાની ફરિયાદ કરતાં મેનેજર લાજવાને બદલે ગાજ્યો હોવાના પણ આક્ષેપ યુવાનો દ્વારા કરવામાં આવ્યા છે.
પાટનગરના ન્યુ ગાંધીનગરનાં કુડાસણ, રાયસણ, સરગાસણ અને પીડીપીયુ વિસ્તારમાં અઢળક હોટલો અને ખાણીપીણીની લારીઓ ધમધમતી રહી છે. જોકે, તહેવાર ટાણે જ નામ પૂરતી કાર્યવાહી કરતી મનપાની આરોગ્ય શાખાની નિષ્ક્રિયતા વચ્ચે નગરજનો બિન આરોગ્યપ્રદ ખોરાક આરોગી રહ્યા હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. કુડાસણમાં આવેલી પિત્ઝા હટમાં ફ્રેન્ડશીપ ડેનાં દિવસે પિત્ઝા ખાધા પછી એક યુવાનની તબીયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે.
કુડાસણમાં આવેલી પિત્ઝા હટમાં મીતેશ વગાશીયા તેમના મિત્ર હિમાંશુ બાયડ સાથે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે જમવા માટે ગયા હતા. જેમણે પિત્ઝા ગાર્લિક બ્રેડ, સહિતની ચીજો મંગાવી હતી. જે પેટે તેઓએ પિત્ઝા હટને એક હજારથી ઉપરનું બિલ પણ ચૂકવી દીધું હતું. જાણીતી પિત્ઝા હટમાં બેસીને મિત્રો મળીને પિત્ઝાની મઝા માણી રહ્યા હતા. એ વખતે તેમના ટેબલ પર મૂકવામાં આવેલી ખાલી પ્લેટમાં અઢળક મચ્છરો-જીવાત મરેલી હાલતમાં જોવા મળી હતી.
આ મામલે ફરિયાદ કરતાં વેઇટર આવીને પ્લેટ બદલી ગયો હતો. બાદ બંને મિત્રો વાતચીત કરતાં કરતાં પિત્ઝા ખાવા લાગ્યા હતા અને મોટાભાગનો પિત્ઝા ખતમ થવા આવ્યો ત્યારે અચાનક પિત્ઝામાં કીડા હોવાનું માલુમ પડયું હતું. આ જોઈને તેઓ ચોંકી ઉઠયા હતા. કેમકે જીવાતવાળો પિત્ઝા ખાઈ ચૂક્યા હતા. આ મામલે ફરિયાદ કરતાં પિત્ઝા હટનો વેઇટર આવીને માફી માંગવા લાગ્યો હતો અને બીજો ફ્રી ઓર્ડર આપવાની લોભામણી ઓફર કરીને આગળ વધુ કશુ નહી કરવા કહેવા લાગ્યો હતો. જોકે, આવો અનુભવ અગાઉ પણ થઈ ચૂક્યો હોવાથી તેમણે પિત્ઝા હટનાં કસ્ટમર કેર તેમજ ઈમેલ મારફતે પણ ફરિયાદ કરી હતી.