ડીસા માર્કેટયાર્ડમાં હરાજી મામલે ખેડૂતો અને વેપારીઓએ હંગામો મચાવ્યો હતો. ગતરોજ હરાજી બંધ થઈ હતી ત્યાંથી શરૂઆત કરવાની હતી, પરંતુ અન્ય જગ્યાએથી શરૂ થતા વેપારી અને ખેડૂતો રોષે ભરાઇ હરાજી બંધ કરાવી દીધી હતી.

ડીસા માર્કેટયાર્ડમાં ચાલુ વર્ષે મગફળીની મબલક આવક થતા હરાજીને લઈને અનેક વખત વિવાદો ઉભા થયા છે. વધુ માલની આવકના કારણે રોજેરોજની હરાજી ન થતા બીજા દિવસે પણ હરાજી કરવી પડે છે. જોકે હરાજી જ્યાંથી બંધ થઈ હોય ત્યાંથી શરૂ કરવાની જગ્યાએ અન્ય જગ્યાએથી શરૂ થતા વેપારી અને ખેડૂતો રોષે ભરાયા હતા અને હંગામા મચાવ્યો હતો. ગતરોજ બંધ થયેલી હરાજીના સ્થળથી નવેસરથી શરૂ કરવાની માગ કરી હતી. જો કે, હરાજી કરતા કર્મચારીઓએ ખેડૂતોની વાત ન સાંભળતા ખેડૂતો અને વેપારીઓ રોષે ભરાયા હતા અને હુરિયો બોલાવી હરાજી અટકાવી વેપારી અને ખેડૂતોનું ટોળુ માર્કેટયાર્ડ ઓફિસે પહોંચી સેક્રેટરીને રજૂઆત કરી હતી.

આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી મગફળી વેચાઈ નથી અને ગઈકાલે જે જગ્યાએ હરાજી બંધ થઈ હતી. ત્યાંથી શરૂ કરવાને બદલે અન્ય જગ્યાએથી શરૂ કરતાં હરાજીની રાહ જોઇને લાઈનમાં બેઠેલા એક હજારથી વધારે ખેડૂતો અને વેપારીઓ હેરાન થઈ રહ્યા છે.

જ્યારે આ બાબતે માર્કેટયાર્ડના સેક્રેટરી અમરત જોષીએ જણાવ્યું હતું કે, હરાજી બાબતે મેસેજ છોડવામાં આવતો હોય છે. કોઈક કારણસર મેસેજ મિસ્ટક થઈ હોય તેવું લાગે છે તો તમામ વેપારીઓને ન્યાય મળશે અને આજે નહીં તો કાલે રવિવારના રજાના દિવસે પણ હરાજી ચાલુ રાખી તમામ મગફળીનુ વેચાણ કરી લેવામાં આવશે અને ખેડૂતોને સંતોષ થાય તે રીતેની કામગીરી કરવામાં આવશે. જોકે, ખેડૂતો અને વેપારીઓના ભારે હોબાળા બાદ સમજાવટ કરી હરાજી શરૂ કરાઈ હતી અને આજે રવિવારે પણ હરાજી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.