ડીસા શહેર મામલતદાર સહિત પુરવઠા વિભાગની ટીમે આજે હોટલ અને રેસ્ટોરન્ટમાં ઓચિંતો દરોડા પાડી ગેરકાયદેસર ગેસની બોટલો પકડી પાડી છે. ઘરેલુ બોટલનો કોમર્શિયલ તરીકે ઉપયોગ કરતા કુલ 15 બોટલ સહિત 43 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પુરવઠા વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરેલું ગેસની બોટલનો ઉપયોગ ધંધાકીય ઉપયોગ માટે લેવાતી હોવાની બુમરાણ ઉઠવા પામી રહી છે. જેમાં ખાસ કરીને કેટલાક લેભાગુ લોકો ઘરેલું ગેસની બોટલોનું કાળાબજારી કરી બારોબાર વેચાણ કરતાં હોવાની ફરિયાદ મળી હતી. ત્યારે આજે જિલ્લા પુરવઠા અધિકારીની સુચના અનુસાર ડીસા શહેર મામલતદાર એસ ડી બોડાણા સહિત પુરવઠા વિભાગની ટિમે અલગ અલગ વિસ્તારોમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં દિપક હોટલમાંથી ઘરેલું ગેસની 7 બોટલ મળી આવી હતી જ્યારે અન્ય હોટલ અને રેસ્ટોરન્ટમાંથી 8 બોટલો મળી આવી હતી.

ગોગા આપા હોટલમાંથી 2 બોટલ, રાજશ્રી સ્વીટ માંથી 1, ચમન ફાસ્ટ ફુડ માંથી 1 બોટલ, કચ્છી કિંગ નાસ્તા હાઉસમાંથી 1 બોટલ, હિંગળાજ નાસ્તા હાઉસમાંથી 1 બોટલ,બજરંગ કડી પકોડામાંથી 1 બોટલ અને બંસી કાઠિયાવાડી હોટલમાંથી 1 બોટલ સહિત કુલ 15 ઘરેલું ગેસની બોટલો મળી આવતાં શહેર મામલતદાર સહિત પુરવઠા વિભાગની ટીમે બોટલ સહિત 43 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પુરવઠા વિભાગની કાર્યવાહીથી તહેવારોના સમયમાં ગેસનાં બાટલાનુ બારોબાર કાળાબજારી કરતાં લેભાગુ તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.