(રાહુલ પ્રજાપતિ)
સાબરકાંઠા જિલ્લામાં નારી કેન્દ્ર હિંમતનગર દ્વારા નેપાળની માનસિક બિમાર મહિલાનું નવ વર્ષ બાદ પોતાના પરીવાર સાથે મિલન કરાવી સરહાનીય કામગીરી કરવામાં આવી છે.
નવ વર્ષ પહેલા માનસિક બિમાર મહિલા પોતાના પરિવારમાં કોઇને પણ જાણ કર્યા વિના ઘરેથી નિકળી ગયા હતા.નવ માસ પહેલા મહિલા હેલ્પલાઇન દ્વારા આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર સાબરકાંઠા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. લાંબાગાળાના આશ્રય માટે મહિલાને નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગરમાં મોકલી આપવામાં આવ્યા હતા.મહિલા સાથે કાઉંસેલિંગ કરતા મહિલા માનસિક બિમાર હોઇ ભુલા પડેલ છે તેમ જાણવા મળ્યું હતું.
આ મહિલાનો દેખાવ અને ભાષા પરથી નેપાળના હોય તેવું લાગતાં હિંમતનગરમાં હોટલ ચલાવતા નેપાળી ભાષાના જાણકારશ્રીને મહિલાનું સરનામું જાણવા માટે બોલાવવામાં આવ્યા હતા. સાથે જ નારી કેન્દ્રના મેનેજરશ્રી દિપ્તી પરમાર દ્વારા નેપાળ એજન્સીમાં જાણ કરી દિલ્લીની NGOની મદદ લઇ આ અંગે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન આ મહિલા નેપાળના નવલપરાસી જિલ્લાના હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાનું સરનામુ મળતા જ પરીવારજનોને જાણ કરવામાં આવી હતી.જાણ થતા જ પરીવારજનો મહિલાને ગુજરાતથી પોતાના વતનમાં લઈ જવા માટે તાત્કાલિક પહોંચ્યા હતા. ૯ વર્ષ બાદ માતા-પુત્રના તેમજ પરિવાર સાથે મિલનનો નારી કેન્દ્રનો તમામ સ્ટાફ સાક્ષી બન્યો હતો.