નબળી આર્થિકસ્થિતિ, ટૂંકો અભ્યાસ, કારકિર્દીલક્ષી યોગ્ય માર્ગદર્શનનો આભાવ જેવા અનેક કારણોસર ઘણાબધા ભાઇ બહેનો વિકાસથી વંચિત રહી જતા હોય છે. આવા યુવક યુવતીઓને ધંધા-રોજગારની યોગ્ય તાલિમ આપીને તેમના જીવન ધોરણને ઊચું લાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગરના વડપણ હેઠળ આંકલાવ તાલુકાના અંબાવ ખાતે 32 જેટલા ભાઇ-બહેનો માટે 12 દિવસની ઉદ્યોગસાહસિક્તા તાલીમની શરૂઆત તારીખ 21 જુલાઇ,2022ના રોજ અંબાવ ગ્રામ પંચાયતના હોલ ખાતે આશાદીપ સંસ્થના નિયામક ફાધર જોન કેનેડી તથા સીઇડી સંસ્થાના આષિશ શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર હસ્તકના સીઇડી (સેન્ટર ફોર એન્ટરપ્રીન્યોરશીપ ડેવલોપમેલ્ટ) વિભાગ દ્વારા સંચાલિત આ તાલીમના પ્રથમ દિવસે શ્રી આષિશ શાહ દ્વારા તાલીમાર્થીઓને મોટીવેટ કરવાની સાથોસાથ 12 દિવસમાં શું ઉપલબ્ધી મેળવીશું તે પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પ્રસ્તુત તાલીમના મહત્વને સમજાવતા તેમણે જણાવ્યું હતું કે બારે બાર દિવસ અલગ અલગ પ્રકારની તાલીમ જેતે વિષયના નિષ્ણાતો મારફતે ઉપલબ્ધ કરાવીને ઉદ્યોગસાહસિક્તા માટેના મહત્તમ પાસાઓને આવરી લેવામાં આવશે. પ્રસ્તુત કાર્યક્રમમાં આશાદીપના મદદનિશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન, સ્ટાફ તથા સરદાર પટેલ યુનિવર્સીટીના સોશ્યલવર્ક વિભાગના વિદ્યાર્થીઓ પણ સહભાગી થયા હતા.