ભક્તિ અને શક્તિના સમન્વયનું મહાપર્વ નવરાત્રિને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ડીસા શહેર સહિત તાલુકામાં નવલાં નોરતાંની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે. ડીસા શહેરમાં અલગ અલગ વિવિધ મંડળો સહિત 4 જેટલાં સ્થળોએ ભવ્ય પાર્ટીપ્લોટ ગરબાનું આયોજન કરાયું છે. ઉપરાંત તાલુકાના વિવિધ ગામોએ પણ ગરબાં મહોત્સવની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે.
બીજી તરફ નવરાત્રિના પર્વમાં ગરબે ઝુમવા થનગની રહેલા યુવાધન પણ નવરાત્રિ પર્વને લઈને વિવિધ ચીજવસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યું છે. પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે યુવક-યુવતીઓના ગ્રુપ ગરબાના નીત-નવા સ્ટેપ શીખવા માટે ક્લાસીસમાં જોડાયા છે. બીજી તરફ યુવતીઓ ચણીયાચોળી સહિત સાજ-શણગારની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની છે.
મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ આગામી તા. 15 ઓક્ટોબરને રવિવારના રોજથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થતો હોવાથી આણંદ શહેર સહિત જિલ્લાભરમાં નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગરબા આયોજકો દ્વારા કોઈપણ જાતની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોતપોતાના ગ્રાઉન્ડ પર પુરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
હાલ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે યુવતીઓની સાથે સાથે યુવકો પણ વિવિધ પ્રકારનાં ગરબાનાં ડ્રેસની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. પર્વ નજીક આવતા જ યુવતીઓ માટે ખાસ નવરાત્રિ દરમ્યાન સાજ-શણગારમાં ઉપયોગમાં લેવાતા ઓક્સોડાઈસના સેટ સહિતની બ્યુટી પ્રોડક્ટસોની માગ પણ વધવા પામી છે.
ડીસા શહેરમાં ચાલુ વર્ષે 4 સ્થળોએ ભવ્ય પાર્ટી પ્લોટ કલ્ચરના ગરબા મહોત્સવ તેમજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ગરબા આયોજકો દ્વારા ગરબા માટે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને બેઠક વ્યવસ્થા તેમજ ગરબા મહોત્સવની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ડીસા તાલુકાના મોટા ગામો માલગઢ, જુનાડીસા, ઝેરડા, સમો મોટા, આસેડા, રસાણા, દામા, આખોલ, શેરપુરામાં પણ વિવિધ યુવક મંડળો દ્વારા ગરબા મહોત્સવની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવાઈ છે. વિવિધ ગ્રુપ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં નવરાત્રિના નવ દિવસ ડીસાનું યુવાધન હિલોળે ચઢશે. ડીસા શહેરમાં માત્ર પોલીસ ગ્રાઉન્ડ સિવાય કોઈ જગ્યાએ મોટા ગરબા મહોત્સવ નહીં યોજાવાના હોવાથી તેમજ પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા મહોત્સવના પાસની કિંમત ખૂબ જ મોંઘી હોવાથી ગરબા રસિકોમાં નિરસતા જોવા મળી રહી છે.