(રાહુલ પ્રજાપતિ)
બુટલેગરો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂ ઘુસાડવા માટે મોટા વાહનોનો ઉપયોગ કરવા માંડયા છે ત્યારે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરવણાની સીમમાંથી પોલીસને મળેલી બાતમી બાદ ગમે તે કારણસર રોડની બાજુમાં ઉતરી ગયેલુ કન્ટેનર મળી આવતા જેમાં પાસ પરમીટ વિનાનો દારૂ હતો. ત્યારબાદ ગાંભોઈના પી.એસ.આઈએ પંચોની રૂબરૂમાં કન્ટેનર ખોલી તેમાંથી અંદાજે રૂા. ૧૦.૬૧ લાખની કિંમતની વિદેશી દારૂની અંદાજે પ૯૪૦ બોટલો કે જે બોક્સમાં ભરેલી હતી તે ઝડપી લઈ પોલીસે મુદ્દામાલ સાથે અંદાજે રૂા. ર૦.૬૧ લાખની મત્તા કબજે લઈ કન્ટેનર મૂકી ભાગી ગયેલ ચાલક તથા અન્ય બે વિરૂધ્ધ ગુરૂવારે મોડી રાત્રે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.

ગાંભોઈ પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ માવજીભાઈએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગુરૂવારે સાંજે પી.એસ.આઈ જે.એમ.રબારીને એવી બાતમી મળી હતી કે સરવણાની સીમમાંથી પસાર થતાં કન્ટેનર નં. એન.એલ.૦૧એન પપ૬ર કે જે નેશનલ પરમીટ ધરાવે છે તેમાં કન્ટેનરનો ચાલક ગમે તે કોઈ જગ્યાથી અંદાજે રૂા. ૧૦,૬૧,૬૦૦ ની કિંમતની પ૯૪૦ દારૂની બોટલો ભરીને રાજસ્થાનથી શામળાજી થઈ હિંમતનગર તરફ આવી રહ્યો હતો. જે આધારે પોલીસે સરવણાની સીમમાં રોડની સાઈડમાં બંધ પડેલ આ કન્ટેનર જોયા બાદ તેનો લોખંડની પટ્ટી વાળો દરવાજો તોડી તપાસ કરતા તેમાં મસમોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પી.એસ.આઈ અને સ્ટાફે તરત જ કન્ટેનર તથા દારૂનો જથ્થો કબજે લઈ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. ત્યારબાદ વિદેશી દારૂ ભરી આપનાર, લેનાર અને કન્ટેનર મૂકી ભાગી ગયેલા ચાલક વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.