હિંમતનગર નેત્રમ દ્વારા વાહનોની નંબર પ્લેટો ચેક કરવાનું શરૂ કરાયું
ઈ-મેમો નહીં ભરતા વાહન ચાલકોની ખેર નથી
હિંમતનગરમાં પોલીસ તંત્રની નેત્રમ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી શહેરના વિવિધ રસ્તાઓ પર થઈને પસાર થતા વાહનોના નંબરો ચેક કરવાની કામગીરી શરૂ કરાઈ છે. જોકે પોલીસ કર્મીઓ નંબર ચેક કર્યા બાદ પેઈડના સ્ટીકર લગાવતા હોવાથી ફરીથી વાહન ચેકીંગ દરમ્યાન તેમને કોઈ મુશ્કેલી પડશે નહીં.
આ અંગેની વિગત એવી છે કે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફીકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો તેમના વાહન સાથેના નંબર સાથે શહેરના વિવિધ રસ્તાઓ પર લગાવાયેલ સીસીટીવી કેમેરામાં અંકિત થઈ જાય છે ત્યારબાદ નેત્રમ શાખા દ્વારા નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકને ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ દંડ ભરવાની દરકાર લેવાતી નથી. જેથી નેત્રમ શાખાએ છેલ્લા બે દિવસથી વિવિધ રસ્તાઓ પર થઈને પસાર થતા વાહનોના નંબર તપાસવાનું શરૂ કરાયું છે. અને તેમાં જો કોઈ ઈ-મેમો નહીં મળ્યો હોય તેવા વાહન ચાલકોના વાહન પર પેઈડ સ્ટીકર લગાવાઈ રહયા હતા.
તો બીજી તરફ ઈ-મેમો ભરવામાં બેદરકારી દાખવનાર અનેક વાહન ચાલકો સામે નેત્રમ શાખાએ કરેલી લાલ આંખ બાદ જયારે પણ તેઓ પકડાશે ત્યારે તરતજ ઈ-મેમોના દંડની રકમ ભર્યા વગર છુટકો નથી. પોલીસ ખાતાની આ કાર્યવાહીથી અનેક વાહન ચાલકો ખુશ છે કારણ કે કેટલાક વાહન ચાલકો અવાર નવાર અનેક ઠેકાણેથી પસાર થતા હોય છે ત્યારે ટ્રાફીકના નિયમોને નેવે મુકી પુરપાટ દોડે છે જેથી અકસ્માત થવાનો ભય રહે છે પણ હવે જયારે નેત્રમ શાખાએ શરૂ કરેલી કામગીરીને કારણે ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા પહેલા વિચારવુ પડશે.