*આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩,પંચમહાલ*

કાલોલ તા ૦૯/૧૦/૨૩

*મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ કાલોલ તાલુકાના સમા ખાતે ધારાસભ્યશ્રી ફતેસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો યોજાયો* 

લોકોમાં મિલેટ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધે અને લોકો મિલેટ ધાન્યનો રોજીંદા જીવનમાં વપરાશ કરે તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. મિલેટ ધાન્ય વિવિધ મિનરલથી ભરપૂર હોય છે જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આજના સમયમાં ખોરાકમાંથી મિલેટ ધાન્ય લુપ્ત થતાં જાય છે જેથી તેનો રોજીંદા જીવનમાં વ્યાપ વધારવા માટે સરકારશ્રી તરફથી જન જાગૃતિ વધારવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને અનુલક્ષીને આજરોજ કાલોલ તાલુકાના દેવ છોટિયા મહાદેવ મંદિર,સમા ખાતે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કૃષિ મેળાનું આયોજન કરાયું હતું. 

આ પ્રસંગે ધારાસભ્યએ ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું કે,દરેક ખેડૂત રાસાયણિક કૃષિને છોડી પ્રાકૃતિક ઢબે મિલેટ ધાન્ય પાકોનું વાવેતર કરે તથા મિલેટ ધાન્યનો રોજીંદા જીવનમાં ઉપયોગ અને વેચાણ કરે તે જરૂરી છે. પ્રાકૃતિક ખેતી થકી રાસાયણિક દવાઓ અને ખાતરથી થતા રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે. ખેતીના ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો કરી શકાય છે. 

આ પ્રસંગે રિસર્ચ વૈજ્ઞાનિક દ્વારા અદ્યતન કૃષિ કરવા અંગે જાણકારી આપવામાં આવી હતી. તે ઉપરાંત ખેતીવાડી શાખાના અધિકારીશ્રી મારફતે પ્રાકૃતિક કૃષિ અંગે યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. આ કૃષિ મેળામાં તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન અને ઉપપ્રમખ ગુણવંતસિંગ,જિલ્લા અને કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિહ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ખેતીવાડી શાખાના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.