ડીસા તાલુકાના ગામડાઓમાં જેટકો કંપની દ્વારા ખેતરોમાં આડેધડ થાંભલાઓ ઊભા કરી ખેડૂતોને નુકસાન પહોંચાડતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે અને આજે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ખેડૂતોની મંજૂરી સિવાય ખેતરોમાં કામગીરી કરશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ડીસા તાલુકાના ડાવસ, મહાદેવીયા, ગેનાજી ગોળીયા સહિતના ગામડાઓમાંથી માટે 66 કેવી વીજલાઇન પસાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેના માટે જેટકો કંપની દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મોટા વીજ થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખેતરોમાંથી આ વિજલાઈન પસાર કરવા માટે ખેડૂતોની મંજૂરી સિવાય કે તેમને જાણ કર્યા સિવાય આડેધડ ખેતરોમાં ખોદકામ કરી વીજ થાંભલાઓ ઊભા કરતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે.
આડેધડ ખોદકામથી ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના કારણે આજે આ ગામના લોકો આજે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જેટકો કંપનીના કર્મચારીઓની કામગીરી સામે વિરોધ દર્શાવી નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. તેમજ કંપનીના કર્મચારીઓ જો ખેડૂતોની મંજૂરી સિવાય ખેતરોમાં ખોદકામ કરી એ થાંભલાઓ ઊભા કરવાની કામગીરી કરશે તો ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ અંગે ગામના આગેવાન ધર્માભાઈ પટેલ અને દેવાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે તેમના ગામમાં ઝટકો કંપની દ્વારા 66 કેવી વીજ લાઇન માટે થાંભલા નાખવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ તેમાં ખેડૂતોની મંજૂરી સિવાય અને નાના ખેડૂતોના ખેતરોમાં ખોદકામ કરી વીજલાઇન પસાર થાય તો ખેડૂતોને ખેતી કરવા લાયક જમીન બચતી નથી. તેમજ ગૌચરની જમીનમા થાંભલા નાખવામાં આવે તો ખેડૂતોને નુકસાન થયા સિવાય વીજલાઈનનું કામ પણ થઈ શકે તેમ છે. જેથી ગ્રામજનોની નમ્ર વિનંતી છે કે, કંપની ખેડૂતોને નુકસાન કર્યા સિવાય અને ખેડૂતોની મંજૂરીથી કામગીરી કરે તેવી વિનંતી કરી હતી.