પાઇપો ગોઠવી તૈયાર થયેલ જનતા ડાયવર્ઝન છોટાઉદેપુરના ધારાસભ્ય દ્વારા જનતા માટે ખુલ્લુ મુકાયું
પાવીજેતપુર નજીક સિહોદ પુલ પાસે જનતા ડાયવર્ઝન શરૂ થતા છોટાઉદેપુર જિલ્લાની જનતામાં આનંદની લહેર
પાવીજેતપુર નજીક સિહોદ પાસે નવીન બનેલ જનતા ડાયવર્ઝન શરૂ થઈ જતા છોટાઉદેપુર જિલ્લા સહિત એમ.પી. ની જનતામાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે. જનતા ડાયવર્ઝનને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી સમાન ૫૬ નંબરના હાઇવે ઉપર આવેલ પાવીજેતપુર નજીક સિહોદ પુલ નું સેટલમેન્ટ થવાના કારણે છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતા ત્રાહિમામ પોકારી રહી હતી. ૩૫ થી ૪૫ કિલોમીટર જેટલો ફેરો ન ફરવો પડે તે માટે મોટી રાસલી થી સિથોલ વચ્ચે નદીના પટમાં ડાયવર્ઝન બનાવ્યું હતું પરંતુ નદીમાં પાણી આવતા તે ધોવાઈ ગયું હતું. પુનઃ ત્યાં જનતા ડાયવર્ઝન બનાવવાનું હતું ત્યારે શિથોલના કેટલા રહિશોએ વિરોધ નોંધાવતા પાવીજેતપુર થી સિહોદ વચ્ચે નદીના પટમાં ૫૨ જેટલા પાઇપો ગોઠવી ૪ પાઇપો એક લાઈનમાં ગોઠવી ૧૩ જેટલી લાઈનો બનાવી, ૩૦ ફૂટ જેટલું પહોળું જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. સતત ચાર પાંચ દિવસની ભારે જહમત બાદ જ્યાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ મોન્ટુભાઈ શાહ, રાસલીના સરપંચ લાલુભાઇ રાઠવા, સિહોદના સરપંચ અજયભાઈ રાઠવા રાત દિવસ એક કરી જનતા ડાયવર્ઝન ને બનાવી દઈ આજે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ જનતા ડાયવર્ઝન હોય જેની ઉપરથી સ્વ જોખમે તેમજ પોતાની જવાબદારીથી લોકોએ પસાર થવાનું રહેશે તેમ ધારાસભ્ય એ જનતાને અપીલ કરી હતી.
આ સમયે સાંસદ ગીતાબેન રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલ્લિકાબેન પટેલ તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
જનતા ડાયવર્ઝન ની શરૂઆત થતા ની સાથે જ નાની મોટી દરેક ગાડીઓ વાળામાં ખુશીની લહર દેખાતી હતી. જનતા ડાયવર્ઝન ને ખુલ્લું મુકતા સમયે ફોરવીલ, મોટી બસો, ટેમ્પા વગેરેના વાહન ચાલકોને ફુલ આપી શાંતિથી ચલાવવાની તેમજ ટ્રાફિક સમસ્યા ન થાય તેવી અપીલ પણ ઉપસ્થિત નેતાઓ દ્વારા કરવામાં આવી હતી.