અમીરગઢના કિડોતર ગામમાં દાદા અને બે માસૂમ પૌત્રીઓ ટ્રેન નીચે આવી જતા ત્રણેયના કરુણ મોત નિપજ્યા હતા. જેથી અરેરાટી મચી છે. આ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા પણ એકત્ર થઈ ગયા હતા.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે આવેલા કિડોતર ગામના એક વૃદ્ધ અને તેમની બે પૌત્રીઓ રેલના પાટાઓ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ટ્રેન આવી જતા ત્રણેય લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જેને પગલે ત્રણેયના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. અમીરગઢ પાસેથી પસાર થતી અમદાવાદ-દિલ્લી રેલવે લાઈન પર અમીરગઢ અને સરોત્રા વચ્ચેથી પસાર થતી ટ્રેન અડફેટે ત્રણેય લોકો આવી ગયા હતા. કિડોતર ગામના એક વૃદ્ધ પોતાની વ્હાલસોયી બે પૌત્રીઓ સાથે અચાનક ટ્રેન નીચે આવી જતા દાદા અને પૌત્રીઓને ગંભીર ઈજાઓ થઈ હતી.
જેથી ત્રણેયના પ્રાંણ પંખેરુ ઉડી ગયા હતા. રેલવે પોલીસ દ્વારા પંચનામું કરી ત્રણેયના મૃતદેહનું પોસ્ટોમર્ટમ કરાવી વાલીવારસદારોને મૃતદેહો સોંપેલ છે. એક હસતા ખેલાતા પરિવારના ત્રણ સભ્યોની આવી અણધારી વિદાયથી સમગ્ર કિડોતર ગામ હિબકે ચડ્યું હતું.