રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી દારૂ બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લીધો છે. બુટલેગરો લોડીંગ વાહનમાં ચોરખાનું બનાવી દારૂ લાવતા હતા. ત્યારે ડીસા તાલુકાના ઝેરડા ગામ પાસે એલસીબીની ટિમે લોડિંગ વાહન જપ્ત કરી કુલ રૂપિયા 5.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજસ્થાનમાંથી બનાસકાંઠાના માર્ગે થઈ ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક લોડીંગ વાહનમાં ચોરખાનું બનાવી અંદર દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો લવાઈ રહ્યો છે. જેથી પોલીસે ડીસા ધાનેરા હાઇવે પર ઝેરડા નજીક નાકાબંધી ગોઠવી હતી. જેમાં બાતમી મુજબનું વાહન આવતા પોલીસે અટકાવી ચેક કરતા સૌ પ્રથમ તો વાહનમાં કંઈ ન હોવાનું જણાયું હતું, પરંતુ પોલીસે જીણવટભરી તપાસ કરતા વાહનમાં નીચેના ભાગે ચોરખાનું બનાવેલું હતું. જેની અંદરથી પોલીસને 514 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
એલસીબીની ટીમે રૂ. 2.75 લાખના દારૂની કુલ 514 બોટલ,તેમજ લોડીંગ વાહન સહિત કુલ 5.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે વાહન ચાલક ગણપતભાઈ જયંતીજી ઠાકોરની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસને સોંપ્યો હતો.