પાલનપુર-આબુ હાઇવે ઉપર અમીરગઢ નજીક એક વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર સવાર મહિલા અને પુરુષને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત અન્ય વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતના કારણે કેટલાય લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આજે અમીરગઢ નેશનલ હાઈવે પર બાઈક પર એક પુરુષ અને મહિલા જઈ રહ્યા હતા, તે સમયે આરાસુરી ગોળાઈ નજીક પાછળથી આવી રહેલા વાહન ચાલકે ધડાકા ભેર બાઈકને ટક્કર મારી હતી, જેના કારણે રોડ પર બાઈક સવાર મહિલા અને પુરુષ પટકાયા હતા. જેના કારણે બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જોકે, મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે સ્થાનિકો દોડી આવ્યાં હતા અને પોલીસને જાણ કરી હતી. અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ મૃતદેહનો કબ્જો લઈ અમીરગઢ ખાતે પીએમ અર્થ ખસેડી બાઈકને ટક્કર મારનાર અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી હતી.