ડીસામાં હરિઓમ હાઇસ્કુલ પાછળ આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના જર્જરીત અને સુવિધા વગરના મકાનોથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતા કંટાળેલા રહીશોએ નગરપાલિકા કચેરીએ પહોંચી બળાપો ઠાલવ્યો હતો.

ડીસામાં હરિઓમ શાળા પાછળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે છે, પરંતુ આ મકાનો બનાવ્યા બાદ એક વર્ષમાં જર્જરીત થઈ ગયા છે અને મોટાભાગના મકાનોમાં પાઇપો લીકેજ થઈ ગઈ હોવાથી ઉપરના મકાનમાં રહેતા લોકોના શું શૌચાલય અને બાથરૂમ સહિતનું પાણી નીચેના મકાનોમાં ટપકે છે.

અહીં સ્થાનિક તંત્ર દ્વારા પણ અન્ય કોઈ જ પ્રકારની લાઈટ,પાણી કે ગટરની યોગ્ય સુવિધા આપવામાં આવી ન હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. કંટાળેલા રહેશો આજે નગરપાલિકા કચેરીએ પહોંચી સુવિધાની માગ સાથે તંત્ર સામે ઠાલવ્યો હતો.

આ સમસ્યા અંગે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા નિકિતાબેન અને રતનબેને જણાવ્યું હતું કે, તેઓ બાર મહિનાથી આ આવાસ યોજનાના મકાનમાં રહે છે, પરંતુ દરેક મકાનમાં પાઈપો લીકેજ છે જેથી ઉપરના મકાનમાં રહેતા લોકોના શોચાલય અને બાથરૂમનું પાણી નીચે ટપકે છે.

 સ્વચ્છતા માટે પણ કોઈ જ આવતું નથી લાઈટ કે ગટરની પણ ત્યાં કોઈ જ સુવિધા ન હોવાથી મોટાભાગની ગટરો ઉભરાય છે વળી મકાનો પણ જર્જરિત થઈ ગયા હોવાથી ચોમાસામાં પણ દરેક છતમાંથી પાણી ટપકે છે. આ માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી. ત્યારે નગરપાલિકા અમને પણ ઇન્સાન સમજે અને સુવિધા આપે તેવી માંગ કરી હતી.