પાવીજેતપુર નજીક ભારજ નદીના પટમાં પુન: જનતા ડાયવર્ઝન બનાવવાની થયેલી શરૂઆત
છોટાઉદેપુરના ધારાસભ્યએ જનતા ડ્રાઇવરજનમાં તમામ રીતે મદદરૂપ થવા આપેલી ખાતરી
પાવીજેતપુર નજીક ભારજ નદીના પટમાં વધુ વરસાદના કારણે ધોવાઈ ગયેલ જનતા ડાયવર્ઝન અંગે છોટાઉદેપુરના ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને મિટિંગ કરી ચર્ચા કરી જનતા ડ્રાઇવરજન પુનઃ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આ જનતા ડાયવર્ઝનમાં જે કંઈ પણ જરૂર હોય તે દરેક રીતે મદદરૂપ થવા ખાતરી આપી હતી.
પાવીજેતપુર નજીક ભારજ નદીનો પુલ શટલમેન્ટ થઈ જવાના કારણે રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો. ત્યારે મોટી રાસલી, સિથોલ અને સિહોદના સરપંચો તેમજ યુવાનો દ્વારા સક્રિય થઈ ભારજ નદીના પટમાં જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થતું હતું. પરંતુ વધુ વરસાદ પડવાના કારણે તેમજ સુખી ડેમ ઓવરફ્લો થવાના કારણે પાણી છોડવાથી આ જનતા ડ્રાઈવરજન તૂટી જતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. જેને લઇ છેલ્લા કેટલાય દિવસોથી છોટાઉદેપુર જિલ્લા ની જનતા સહિત એમપી ના લોકોને ભારી હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ તેમજ તાલુકાના અગ્રણી એવા મોન્ટુભાઇ શાહ દ્વારા નદીના પટના કિનારે આવેલ એક ફાર્મ હાઉસ ઉપર જનતા ડાયવર્ઝન ની ચર્ચા કરવા માટે પાવીજેતપુર નગરના વેપારીઓ સહિત આજુબાજુ ગામડાના લોકોને આમંત્રિત કરી ધારાસભ્ય રાજુભાઈ રાઠવા ના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમયે મોન્ટુભાઈ શાહે ધારાસભ્યને રજૂઆત કરી હતી કે જનતા ડાયવર્ઝન આ વખતે થોડું વધુ પહોળું એટલે કે ૩૦ ફૂટ જેટલું પહોળું કરવું છે અને થોડું વ્યવસ્થિત બનાવવું છે એના માટે તમારી મદદની જરૂર છે ત્યારે ધારાસભ્ય રાજુભાઈ રાઠવા એ સંપૂર્ણ રીતે મદદરૂપ થવાની ખાતરી આપી હતી તેમજ ભૂંગળા, પથરા ના વેપારીઓને ફોન કરી પોતાની જવાબદારી ઉપર ભુંગળા પથરા અપાવી તાત્કાલિક જનતા ડ્રાઇવરજન નું કામ શરૂ કરાવી દેવામાં આવ્યું છે.
છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જણાવ્યું હતું કે ઓલવેધર ડાયવર્ઝન ૨.૪૦ કરોડમાં બનવાનું હોય જે ટૂંક સમયમાં ટેન્ડરિંગ થનાર છે. તેમજ ૩૭ કરોડના ખર્ચે નવો પુલ બનશે જે પુલ બનવાને સ્વાભાવિક રીતે ત્રણ વર્ષ જેટલો સમય થશે તેમજ ઓલ વેધર ડાયવર્ઝન બનવામાં પણ બે થી ચાર મહિનાનો સમય થાય ત્યારે આ સમયગાળામાં આ જનતા ડ્રાઇવરજન સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની જનતાને આશીર્વાદરૂપ થાય તે માટે તાત્કાલિક શરૂ કરવા તેમજ મદદરૂપ થવાની તૈયારી બતાવી હતી. જે તૈયારીથી ઉપસ્થિત વેપારીઓ, કિસાનો તેમજ આજુબાજુથી આવેલી જનતામાં ખુશી ની લહેર દોડી જવા પામી હતી.
આમ, પાવીજેતપુર નજીક ભારજ નદીના પટમાં ધોવાઈ ગયેલ જનતા ડ્રાઈવરજન પુનઃ બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવી છે. સાથે સાથે ટ્રાફિક ન થાય તેમજ ખખડધજ રસ્તો ન રહે તે માટેની તકેદારી પણ રાખવામાં આવનાર છે.