ડીસાના ઈન્દીરાનગર વિસ્તારમાં નજીવી બાબતે તકરાર થતા પડોશીએ 20 જેટલા સાગરીતો સાથે મળી માતા-પુત્ર પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે ડીસા બાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડીસાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા સુરેશ માળી ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. તેમજ તેમની બાજુમાં રહેતા હિતેશ માળી સાથે અગાઉ બબાલ થયેલ હોવાથી અદાવત ચાલી રહી હતી. તે જૂની અદાવત રાખી બે દિવસ અગાઉ સુરેશભાઈને સમાધાન માટે બોલાવી તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સમયે સુરેશભાઈ ત્યાંથી યેન કેન પ્રકારે બચીને નાસી ગયા હતા.
ત્યારબાદ મોડી રાત્રે જ્યારે સુરેશભાઈ તેમના ઘરે પરત પહોંચ્યા ત્યારે રાહ જોઇને બેઠેલા હિતેશભાઈ સહિત 20 જેટલા શખ્સોના ટોળાએ તલવાર, ધોકા અને લાકડીઓ તેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં પુત્રને બચાવવા જતા માતાને પણ માથાના ભાગે તલવાર વાગતા ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઘટનાને પગલે આજુબાજુના રહેતા લોકો દોડી આવતા આ ટોળું ત્યાંથી નાસી ગયું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોહીલુહાણ હાલતમાં માતાને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેઓની હાલત વધારે ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ બનાવ અંગે સુરેશ માળીએ જણાવ્યું હતું કે, તેમની બાજુમાં રહેતા હિતેશભાઈ માળી સાથે તેમને જૂની અદાવત હોઇ તેઓ અવારનવાર ધમકીઓ આપતા હતા તેમજ રાત્રીના સમય તેઓએ તેમના સાગરીતો સાથે મળી હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં તેમને અને તેમની માતાને ગંભીર ઇજા પહોંચી હતી. જે બનાવ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસને જાણ કરી છે.