પાલનપુરમાં વીજ મીટરના વાયર કાપી તેની સાથે વીજ અવરોધ યંત્ર લગાવી વીજચોરી કરવાનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં 15 વીજ ગ્રાહકો તેમજ આ સીસ્ટમથી વીજચોરી કરાવી વીજ કંપનીને રૂપિયા 14.50 લાખનો ચૂનો ચોપડતાં નાયબ ઇજનેરે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉત્તર ગુજરાત વીજકંપની પાલનપુર ઢુંઢીયાવાડી જામપુરા ઓફિસની ટીમ દ્વારા રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં વીજમીટરનું સીલ તોડી વીજઅવરોધયંત્ર લગાવી વીજચોરી કરવાનું કારસ્તાન સામે આવ્યું હતુ. આ અંગે નાયબ ઇજનેર કિરણકુમાર એન. પટેલે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 1. મહેમુદાબેન સલીમભાઇ બેલી (રહે. અમનમંજીલ, રેલવે સ્ટેશન રોડ, પાલનપુર) 2.બચુભાઇ ચાંદઅલી ભીસ્તી (રહે. સુગરા કોમ્પલેક્ષ, રેલવે સ્ટેશન રોડ,) 3.કનીજફાતમાં શકીલઅહમદ ખાન (રહે. અમનમંજીલ, પાલનપુર) 4.જાફરભાઇ ઉસ્માનભાઇ શેખ (રહે. રેલ્વેસ્ટેશન રોડ,) 5.અયુબભાઇ બચુભાઇ બેલીમ (રહે. રેલવે સ્ટેશન રોડ), 6. શબાના ઉસ્માનભાઇ બેલીમ (રહે. રેલવે સ્ટેશન રોડ, 7. ઇસ્માઇલભાઇ ફકીરમહંમદ શેખ ( ફોફળીયા કુવા,) 8.નકીશાબેન ઇસ્માઇલભાઇ ધોબી (રહે. ઝમઝમ ગ્રીનવીલ રામપુરા રોડ,), 9.મહંમદરફીક ગુલામરસુલ ચંગવાડીયા (રહે. મોમીનવાસ ગઠામણ પેટ્રોલપંપ,) 10. મહંમદસદ્દીક રસુલભાઇ ચંગવાડીયા (રહે. મોમીનવાસ, ગઠામણ પેટ્રોલપંપ,), 11. મહંમદસદ્દીક અહેમદહુસેન શેખ (રહે. દિલખુશાલબાગ પરપોટાવાસ,) 12. શબાના ઉસ્માનભાઇ બેલીમ (રહે. રેલવે સ્ટેશન રોડ,) 13. જાવીદ અબ્દુભાઇ ચંગવાડીયા (રહે. મોમીનવાસ ગઠામણ પેટ્રોલપંપ,) 14. ઇસ્માઇલભાઇ ઇબ્રાહિમભાઇ (રહે. મોમીનવાસ) 15. અફજલખાન અહેમદખાન પરમાર (રહે. માલણ દરવાજા) અને 16. હરેશભાઇ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પાલનપુરના નાયબ ઇજનેર કિરણભાઇ પટેલે જણાવ્યું હતું કે, વીજ ચોરી એક જ પધ્ધતિથી કરવામાં આવી છે. જેમાં મીટરની પેટી ઉપર લગાવેલું સીલ તોડવામાં આવ્યું હતુ. જે પછી વીજમીટરની ઇલેકટ્રીક સર્કિટ સાથે ચેડા કરી અંદરથી વાયર કાપી વીજ અવરોધક યંત્ર લગાવવામાં આવ્યું હતુ. જેનાથી વીજપાવરનો વપરાશ વીજ મીટરમાં નોંધાતો ન હતો. આ કારસ્તાન છેલ્લા ત્રણ માસથી તા. 1 જૂનથી 25 સપ્ટેમ્બર 2023 દરમિયાન થયું છે. જેનાથી વીજકંપનીને રૂપિયા 14,50,113 નું આર્થિક નૂકસાન થયું છે. આ અંગે વીજચોરી કરનારા ગ્રાહકોએ સ્ટેમ્પ પેપર ઉપર આ કારસ્તાન કરનારા હરેશભાઇનું નામ આપતાં તેની સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ કાર્ય ટેકનીકલ એક્ષપર્ટ અથવા તો ઇલેકટ્રીક સર્કિટનો જાણકાર શખ્સ જ કરી શકે છે.