જળ ઝીલણી અગિયારસ નિમિત્તે દરેક જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનને નદીના જળમાં સ્નાન કરાવવાની વિધિ યોજાતી હોય છે. ત્યારે ડીસામાં પણ જુના રામજી મંદિરેથી વર્ષોની પરંપરા મુજબ શ્રી કૃષ્ણ ભગવાનને બનાસ નદીમાં સ્નાન કરાવવા વિશાળ પાલખી સાથે ગણપતિ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
બનાસકાંઠાના ડીસા ખાતે વર્ષોની પરંપરા મુજબ જલજીલણી અગિયારસની ભગવાન શ્રીકૃષ્ણની પાલખી યાત્રા નીકળે છે. જે આજે બપોરે જુના રામજી મંદિરથી નીકળી રીસાલા ચોક, પોલીસ સ્ટેશન, ભગવતી ચોક, સોની બજાર થઈ બનાસ નદીમાં જઇ ભગવાનની જળાભિષેક વિધિ કરાઈ હતી. જેની સાથે શહેરમાં બિરાજમાન થયેલા વિવિધ 150 જેટલા ગણપતિની પણ સામુહિક વિસર્જન યાત્રા જોડાઈ હતી. જળ ઝીલણી અગિયારસ નિમિત્તે જળયાત્રામાં પ્રભુ પાલખીમાં બેસી નાગરચર્યા કરે છે. પ્રભુને નદીમાં સ્નાન કરાવવામાં આવે છે. વર્ષો જૂની આ પરંપરા સાથે છેલ્લા બે દાયકાથી સામૂહિક ગણેશ વિસર્જનની પરંપરા જોડાઇ ગઇ છે.
ડીસામાં તેમજ આજુબાજુના ચાલુ વર્ષે 300થી વધુ જગ્યાએ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત અને લોકોએ પોતાના ઘરોમાં 'શ્રીજી'ની મૂર્તિ સ્થાપિત કરી હતી. ગણેશોત્સવ નિમિત્તે અન્ય જગ્યાએ પાંચમથી લઈ અનંત ચતુર્દશી સુધી ગણેશ વિસર્જન થાય છે, પરંતુ ડીસા શહેરમાં સાર્વજનિક ગણેશોત્સવનું વિસર્જન સામૂહિક રીતે કરવાની પરંપરા બંધાઈ ગઈ છે. જેથી અગિયારસે ભગવાનની પાલખી પાછળ એક પછી એક ગણેશ મંડળોના ગણપતિ વિસર્જન માટે પોતપોતાના વાહનોમાં ડીજે, બેન્ડ, ઢોલ, નગારા સાથે વિસર્જન શોભાયાત્રામાં જોડાય છે.
જેમાં શોભાયાત્રામાં 200 થી વધુ ડી.જે અને કેટલાક ખુલ્લી ટ્રકોમાં લાઈવ કાર્યક્રમ કરી નાચતા જુમતા શહેરના માર્ગો પર નીકળે છે. બાદ બનાસ નદી ઉપરાંત પોતાના વાહનમાં ગણપતિને બાલારામ, વિશ્વેશ્વર, હાથીદરા કે અન્ય જગ્યાએ નદીના પાણીમાં વિસર્જન કરવા લઈ ગયા હતા.