ડીસાના કંસારી ગામ પાસે 32 વર્ષીય યુવકે ઝેરી પ્રવાહી પી આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સની ટીમ મારફતે અસરગ્રસ્ત યુવકને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ડીસામાં કંસારી ગામે રહેતો ભરત ઠક્કર નામનો યુવક એકલવાયું જીવન જીવતો હતો. તેમજ છૂટક મજુરી કરી પોતાનો ગુજરાત ચલાવતો હતો. ગઈકાલે સાંજે અચાનક તેને કંસારી ગામ નજીક એક હોટલ પાસે ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ એકઠાં થઈ જાણ કરતા તેના પરિવારના સભ્યો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યા હતા અને બેભાન અવસ્થામાં યુવકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરનાર યુવક હાલમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આ બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને અસરગ્રસ્ત યુવકની બહેને ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઇ પરેશભાઈ ભાવાભાઈ ચલાવી રહ્યા છે.