ડીસાના ધારાસભ્યની રજૂઆતને પગલે દાંતીવાડા ડેમમાંથી ગણપતિ વિસર્જન માટે પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી એક દરવાજો ખોલી અત્યારે 1070 ક્યુસેક પાણી છોડવામાં આવતા ગણપતિ મહોત્સવના આયોજકો સહિત લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 5000થી પણ વધુ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. જેમાં 1500થી વધુ અલગ અલગ સાર્વજનિક સ્થળોએ આ મહોત્સવની ભવ્ય ઉજવણી થાય છે. ગણેશ ચતુર્થીથી અગિયારસ સુધી રોજ વિવિધ મંડળો દ્વારા મહા આરતી અને રાસ ગરબા યોગી ગણપતિ દાદાની આરાધના થાય છે. અગિયારસના દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે સારા વરસાદને પગલે દાંતીવાડા ડેમ ભરાઈ ગયો છે, પરંતુ અત્યારે ઉપરવાસમાં વરસાદ નહીં હોવાના કારણે દાંતીવાડા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.
ત્યારે ગણપતિ મહોત્સવના આયોજકો અને સ્થાનિક ધર્મપ્રેમી લોકોની રજૂઆતને પગલે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આ મામલે સરકારમાં રજૂઆત કરી હતી અને દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં ગણપતિ વિસર્જન માટે પાણી છોડવાની રજૂઆત કરાઈ હતી.
જેને પગલે આજે સાંજે 5 વાગે દાંતીવાડા ડેમમાંથી એક દરવાજો ખોલી અત્યારે 1070 ક્યુસેક જેટલું પાણી છોડવાની શરૂઆત કરી છે. જેથી આવતીકાલે ગણપતિ વિસર્જન માટે લોકોએ આમ તેમ ભટકવુ નહીં પડે અને બનાસ નદીમાં આરામથી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન થઈ શકશે.