દાંતા ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે બનાસ મેડિકલ સેવા કેમ્પનું ઉદ્ધઘાટન થયું..

સેવા એ આપણા દેશના લોકોના સંસ્કારો અને સંસ્કૃતિ છે:--અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી..

નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા 

ખેડૂતોને દૂધની જેમ પશુઓના છાણમાંથી રૂપિયા મળે એ માટે બનાસ ડેરીએ જાપાનની સુઝુકી કંપની સાથે mou કર્યા : અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી..

અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો ગઈકાલથી પ્રારંભ થયો છે ત્યારે આજે દાંતા ખાતે બનાસ ડેરીના ચેરમેનશ્રી અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ માતાજીની આરતી કરી બનાસ મેડિકલ સેવા કેમ્પનું ઉદ્ધઘાટન કર્યુ હતું..

અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે "સેવા પરમો ધર્મ" ના ભાવ સાથે ગાંધીનગરથી અંબાજીના રસ્તા પર ખુબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો ચાલી રહ્યા છે. સેવા એ આપણા દેશના લોકોના સંસ્કારો અને સંસ્કૃતિ છે. આપણા ઘરમાં દાદા-દાદી નાના બાળકને કીડીયારું પુરવાના સંસ્કારો આપે છે. દધિચી ઋષિએ પોતાના હાડકાનું પણ દાન આપ્યું હતું. કોઈ માણસ પ્લાસ્ટિક કે કાગળ વીણીને પણ ધરતીની સેવા કરે છે. હાલ અંબાજી ચાલતા સત્સંગની અસર માત્ર માણસ ને જ નહીં હવાને પણ અસર કરે છે ત્યારે ભક્તિ અને સત્સંગના માહોલ આ મેડિકલ કેમ્પ પગપાળા અંબાજી જતા માઇભક્તોને માટે આશીર્વાદ રૂપ પુરવાર થશે..

અધ્યક્ષશ્રીએ બનાસની સુખાકારીની વાત કરતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને દૂધની જેમ પશુઓના છાણમાંથી રૂપિયા મળે એ માટે બનાસ ડેરીએ જાપાનની સુઝુકી કંપની સાથે mou કર્યા છે. આપણા જિલ્લાના ખેડૂતો માટે જાપાનની સુઝુકી કંપની 250 કરોડનું રોકાણ કરશે. આ mou થી આપણા યુવાનો માટે જાપાન જવાના દરવાજા ખૂલ્યા છે. બનાસના બટાકા જાપાનમાં નિકાસ કરવાનું પણ આયોજન છે એમ તેમણે જણાવ્યું હતું..

આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે, જન સેવા એ જ પ્રભુ સેવા એ આપણી સંસ્કૃતિ છે એ જ પરંપરાને આગળ વધારવા ભાદરવી પૂનમના મેળામાં ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, સનાતન ધર્મ આપણને એક કરવાનું કામ કરે છે. આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. અંબાજીના રસ્તાઓ પરના સેવા કેમ્પોમાં યાત્રિકોની ખુબ સરસ સેવા કરવામાં આવે છે. માં અંબા આપણું રક્ષણ કરી રહી છે ત્યારે શક્તિના સ્વરૂપ સમાન મહિલાઓને સંસદમાં અનામત આપવા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંસદમાં મહિલા અનામત બિલ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે..

આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ માળી અને શ્રી લવિંગજી ઠાકોર, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, બનાસ બેંકના ચેરમેનશ્રી સવસીભાઈ ચૌધરી, બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી ભાવાભાઇ રબારી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેનશ્રી પી. જે. ચૌધરી, સંગઠનના અગ્રણીઓ સર્વશ્રી નંદાજી ઠાકોર, શ્રી દશરથસિંહ ઠાકોર, શ્રી પીરાજી ઠાકોર,શ્રી કનુભાઈ વ્યાસ, શ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી દિલીપસિંહ બારડ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, બનાસ ડેરીના એમ. ડી. શ્રી સંગ્રામસિંહ ચૌધરી અને વિશાળ સંખ્યામાં આગેવાનો અને માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા..

અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ બાળ સુરક્ષા કેન્દ્ર તથા સેવાસંઘના વાહન પાસ રજીસ્ટ્રેશન કેન્દ્રની મુલાકાત લીધી..

વિધાનસભાના અઘ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ દાંતા મુકામે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ બાળ સુરક્ષા કેન્દ્ર તથા સેવાસંઘના વાહન પાસ રજીસ્ટ્રેશન કેન્દ્રની મુલાકાત લઈ યાત્રિકો સાથે આવતા બાળકો પોતાના માતા પિતાથી વિખુટા પડે તો તરત મળી શકે એ માટે બાળ સુરક્ષા કાર્ડ બાળકોને પહેરાવવામાં આવ્યા હતા. આ કાર્ડમાં બાળકના પરિવારની તમામ વિગત દર્શાવામાં આવે છે. જેથી બાળક વિખુટું પડતા તરત જ માતા-પિતાનો સંપર્ક કરી બાળકને માતા-પિતા પાસે પહોંચાડી શકાય છે..