અંબાજી મેળામાં ગુજરાત પોલીસ ની સંવેદનશીલ છબી ઉભરી આવી..
સુગર ટાઈપ -1 બીમારીથી પીડાતા બાળકની વ્હારે આવી બનાસકાંઠા જિલ્લા પોલીસે તેને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવી..
પિતાએ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા ટીમ અને પોલીસ વિભાગ નો આભાર માન્યો..
(માહિતી બ્યુરો,પાલનપુર)
અંબાજી મેળામાં ગુજરાત પોલીસની સંવેદનશીલ છબી જોવા મળી હતી. જેમાં સુગર ટાઈપ -1 બીમારીથી પીડાતા બાળકની વ્હારે આવી બનાસકાંઠા જિલ્લા પોલીસે તેને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવી હતી.
અંબાજી મેળા માં બાઇક પર આવતા પિતા પુત્ર ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે પાર્કિંગ પોઇન્ટ પર અટવાઈ પડ્યા હતા. આ દરમિયાન સૌમ્ય નામના બાળકને સુગર ટાઈપ -1 બીમારી હોઈ તેના ઇન્સ્યુલન અને ખોરાકનો સમય થયો હતો. પરંતુ ટ્રાફિકમાં ફસાઈ જવાના લીધે સૌમ્ય ની તબિયત થોડી બગડી હતી. જે તેના પિતાના ધ્યાને આવતાં તેમણે આ હકીકત પોલીસને જણાવી હતી..
હકીકત જાણ્યા બાદ પોલીસે તાબડતોબ સૌમ્યને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અને પોલીસ દ્વારા બાળ સહાયતા કેન્દ્ર પર લાવી તેના ખોરાક અને ઈન્સ્યુલીનની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેને પગલે તાત્કાલિક સારવાર મળતાં સૌમ્ય ની સ્થિતિ સુધારા પર આવી હતી અને તે સ્વસ્થ બન્યો હતો..
પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની સજાગતા અને સંવેદનશીલતાને કારણે પોતાના પુત્રને સમયસર સારવાર અને જમવાનું મળી રહેતાં સૌમ્યના પિતાએ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા ટીમ અને પોલીસ વિભાગનો આભાર માન્યો હતો અને મેળા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે આ પ્રકારે માનવતા રાખી કરવામાં આવતી સેવા બદલ તંત્રની કામગીરીને બિરદાવી હતી.