સુરતના વરાછા વિસ્તારમાં સરકારી અનાજ ગરીબોના મોઢે જાય તે પહેલા જ માફિયાઓ તેને સગેવગે કરતા હોવાનું સામે આવ્યું છે. ગરીબ વ્યક્તિ જ્યારે સસ્તા અનાજની દુકાન પર જાય છે ત્યારે અનાજ ન હોવાનું દુકાન ધારકો કહેતા હોય છે, જ્યારે ખાનગી ટેમ્પો અનાજનો ભરાતો હતો ત્યારે સ્થાનિકોએ દરોડા કરતા ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. આ માફિયાઓ સરકારી અનાજ અન્ય વેપારીઓને આપીને રૂપિયા કમાવતા હતા. જોકે, આ મામલે પોલીસને જાણ કરતા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વરાછા વિસ્તારમાં આવેલી જનતા નગર સોસાયટી બિલ્ડિંગ નંબર 12 પાસે સ્થાનિક લોકોને શંકા ગઈ હતી કે સસ્તા અનાજના દુકાનમાંથી ખાનગી ટેમ્પો ભરાઈને અનાજ માફિયાઓ અન્ય વેપારીઓને વેચી છે. ખાનગી ટેમ્પો ભરાતો હતો, ત્યારે જ લોકોએ દરોડા કર્યા હતા. સ્થિતિ પારખી જતા ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજુ ખટકી નામનો શખ્સ સંસ્થાના દુકાન ચલાવે છે અને તે ઘણા સમયથી આ પ્રકારે સરકારી અનાજ અન્ય વેપારીઓને આપીને રૂપિયા કમાવતો હતો. ગરીબોના હકનો અનાજ તેમને આપવાને બદલે અન્ય વેપારીઓને વેચી દેતો હતો.

રાજુ ખટકે નામના દુકાન ધારકને ત્યાંથી દિનેશ ઓલપાડ નામનો યુવક ટેમ્પો ભરીને સરકારી અનાજ લઈ જતો હતો. દિનેશ ઓલપાડ નામના યુવક જે ટેમ્પો ચાલક છે તેની સામે ત્રણ પોલીસ સ્ટેશનમાં પણ અનાજ સગેવગે કરવાની ફરિયાદ નોંધાઈ હતી. આ યુવક અનાજ માફિયાઓ સાથે સંકળાયેલો છે અને આખા વિસ્તારની અંદર બ્રેકેટ ચાલી રહ્યું છે તેનો જાણકાર છે. આખી ટોળકી ગરીબોનું અનાજ સગેવગે કરી નાખે છે.

આ અંગે વરાછા પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.એન. ગાભાણીએ જણાવ્યું હતું કે, સરકારી અનાજ ટેમ્પોમાં સગેવગે થઈ રહ્યો હોવાની કંટ્રોલરૂમમાં ફરિયાદ મળી હતી. કંટ્રોલ રૂમમાંથી મળેલી વર્દીના આધારે અમારી ટીમ જમના નગર પહોંચી હતી અને ટેમ્પો તેમજ અનાજ કબજે કર્યો હતો. ટેમ્પો છોડીને જે યુવક ભાગી ગયો હતો તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલવામાં આવ્યો છે. અનાજ કોના ત્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે અને કેટલા સમયથી આ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું હતું. તેની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે.