ડીસા પંથકમાં ચાલુ વર્ષે બટાકામાં ભારે નુકસાન થતા સરકાર દ્વારા કિલોએ એક રૂપિયો સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ચાર મહિનામાં જ ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થતા ખેડૂતોની દિવાળી સુધારી ગઈ છે.
ચાલુ વર્ષે સતત અને વારંવાર કમોસમી માવઠાના કારણે ખેડૂતોને ઘણા બધા પાકમાં નુકસાન થયું છે. બીજી તરફ બટાકામાં ઉત્પાદન સારું થયું, પરંતુ ભાવ તળિયે બેસી જતા અનેક ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. નુકસાનગ્રસ્ત ખેડૂતોએ ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીને રજૂઆત કરી સરકારમાં સહાય અપાવવાની માગ કરી હતી.
જેથી ધારાસભ્ય સહિત ખેડૂતોની માગને ધ્યાનમાં રાખી સરકારે ખેડૂતોને કિલોએ એક રૂપિયો સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ડીસા પંથકમાંથી અત્યાર સુધી 22,456 ખેડૂતોએ સહાય માટે ઓનલાઇન અરજી કરી હતી. જ્યારે બનાસકાંઠા જિલ્લામાંથી કુલ 44,367 ખેડૂતોએ અરજી કરી હતી.
ખેડૂતોએ ઓનલાઇન અરજી કર્યાના ચાર મહિનામાં જ ખેડૂતોના ખાતામાં સહાય જમા થવાનું શરૂ થઈ ગયું છે અને છેલ્લા એક અઠવાડિયામાં મોટાભાગના ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ ગઈ છે. અત્યારે તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને દિવાળી આસપાસ ખેડૂતોએ નવું વાવેતર કરવાનું હોય છે. ત્યારે ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ જતા ખેડૂતોની દિવાળી સુધરી ગઇ છે.
આ અંગે ખેડૂત અગ્રણી કલ્યાણભાઇ રબારી અને ઇશ્વરભાઇએ જણાવ્યું હતું કે, આ વર્ષે બટાટામાં ભારે મંદી હતી અને ખેડૂતોની પડતર ભાવમાં પણ નુકસાન થઈ રહ્યું હતું. ત્યારે અમે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરતા તેમણે સરકારમાં વાત કરી ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી હતી અને ત્રણથી ચાર મહિનામાં જ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જતા નુકસાનગ્રસ્ત ખેડૂતોને મોટી રાહત મળી છે. દિવાળી પહેલા ખાતામાં રકમ જમા થતા ખેડૂતોની દિવાળી સુધરી ગઇ છે.