સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા મહાદેવગઢ સરા રોડ પર બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વાડીએથી બાઇકમાં પરત ફરતા બે મિત્રો પૈકી એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું. જ્યારે બન્ને બાઇકચાલકોને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. આ અંગે મુળી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મુળ સરાના અને હાલ માટેલ રહેતા અનિલભાઇ હરીભાઇ મકવાણા અને તેમના મિત્ર દિનેશભાઇ ખીમજીભાઇ ચાવડા સરા-ધ્રાંગધ્રા રોડ પર આવેલી વાડીએ ગયા હતા. જ્યાંથી બાઇક લઇ પરત ફરતા હતા, તે દરમિયાન મહાદેવગઢના બોર્ડથી સરા તરફના રસ્તા પર સામેથી આવતા બાઇકના ચાલકે તેમના બાઇક સાથે બાઇક અથડાવતા અનિલભાઇ અને દિનેશભાઇ બન્ને બાઇકમાંથી નીચે પટકાયા હતાં.જેમાં દિનેશભાઇ ને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. જ્યારે અનિલભાઇને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યારે અન્ય બાઇકના ચાલક મુરાદભાઇ સુલેમાનભાઇને પણ ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે અનિલભાઇએ મુરાદભાઇ સુલેમાનભાઇ વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.