ડીસા તાલુકાના રામપુરા ગામમાં સરપંચે જ સરકારી જગ્યામાં દુકાનો બનાવી લોન પણ ઉઠાવી લીધી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. ગામ લોકોએ ભેગા મળીને સરપંચની પોલ ખોલવા લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાવતા સરપંચનું કૌભાંડ સામે આવ્યું હતું. જેથી ડીડીઓએ સપંચને કારણદર્શક નોટિસ પાઠવી આગામી 18 સપ્ટેમ્બરે સુનાવણી રાખી હતી. ઉપરાંત ડીડીઓના આદેશ બાદ આગામી 5 ઓકટોબરે ડીસા ટીડીઓ દ્વારા સરકારી જમીન પર ઉભી થઇ ગયેલી 2 દુકાનોનું દબાણ દુર કરવા પણ સૂચના આપી છે.

રામપુરા ગામના ગ્રામજનોએ 07 ઓગસ્ટે ડીડીઓને ગામના સરપંચ ગણપત વસ્તાજી ભીલડીયાએ ગૌચર, તેમજ સરકારી જમીન પર ખોટી રીતે બાંધકામ કરવા ઉપરાંત રારકારી મિલકત અન્ય વ્યક્તિને વેચી મારવા તેમજ સરકારી જમીનના ખોટા દસ્તાવેજ ઉભા કરીને સરકારી જમીન ગીરવે મુકી લોન લઈ કૌભાંડ આચરવા બદલ ગુજરાત પંચાયત એક્ટની કલમ 57 હેઠળ પદ પરથી દુર કરવા બાબતે ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે "રામપુરા ગામના સરપંચે રામપુરા બસ સ્ટેન્ડ નજીક ટેલિફોન એકસચેન્જ આગળ આવેલી જમીન પત્ની શારદાબેન ગણપતજી ભીલડીયાના નામે કરી છે.

જે મિલ્કત પર રામપુરા ગ્રામ પંચાયતના સરપંચે ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હતા. જે બાદ સરપંચે ડીસા સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ બનાવીને એસઆરજી સિક્યુરિટી ફાયનાન્સ લિમીટેડ માં સરકારી જમીન મોર્ગેજ કરીને રૂપિયા 3.50 લાખની લોન લીધી છે. પરંતુ સરપંચે આ જગ્યા પર હજુ સુધી લોન ભરપાઈ કરી નથી. ગ્રામ પંચાયતની મિલકત અકારણી રજીસ્ટર ભાગ-2માં આવેલી મિલકત નંબર 35 અને 36 નંબરની બે દુકાનો છે. જે મિલકત પંચાયતના નિયમ મુજબ ફેરફાર થઈ શકે નહીં, તેમ છતાં હેતુફેર કરીને અન્યને વેચી મારી હતી.

સરપંચે પંચાયત મેન્યુઅલના નિયમોને અવગણીને દબાણને પંચાયતના રેકર્ડ પર અકારણી દફતરે ખોટી આકારણી કરાવડાવી મિલકત પર એસઆરજી સિક્યુરિટી ફાયનાન્સ લિમીટેડ માંથી ફાયનાન્સ મેળવ્યું હતું અને ફાયનાન્સ મેળવવા માટે ડીસા સબ રજિસ્ટર કચેરીએ દસ્તાવેજ પણ બનાવડાવ્યો હતો."ડીડીઓને ફરિયાદ મળ્યા બાદ જુદા જુદા ગામ લોકોના નિવેદનો,સરપંચ અને તલાટીનું નિવેદન પણ તપાસ અધિકારીએ લીધું હતું જેમાં ખુદ સરપંચે બીમારીનું બહાનું આગળ ધરી લોન લીધી હોવાનું લેખિત જવાબમાં જણાવ્યું હતું.

આ અંગે સરપંચ ગણપતભાઇ ભીલડીયાએ જણાવ્યું હતું કે, અગાઉ જે લોકોના દબાણો તૂટ્યા છે તેઓ મારી વિરુદ્ધમાં છે. તેમણે અરજી કરી છે. જ્યારે દુકાન બનાવી ત્યારે સરપંચ હું નહોતો. મે મારો જવાબ અગાઉ લખાવ્યો છે.