ડીસામાં આગામી હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારોને લઈ શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ સાથે મળી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવાની ખાત્રી આપી હતી.
આગામી સમયમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના મોટા ધાર્મિક તહેવારોને લઇ આજે સાંજે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરાયું હતું. ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન દવે અને શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ આર.એસ. દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સહિત નગરસેવકો, વેપારીઓ અને ધાર્મિક સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત થયા હતા.
ડીસા શહેરમાં છેલ્લા 74 વર્ષથી જલજીલણી અગિયારસના દિવસે ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. જેમાં 250થી વધુ ગણપતિની મૂર્તિઓ સાથે અંદાજિત 10,000 થી પણ વધુ લોકો જોડાય છે અને ત્યારબાદ ઈદ એ મિલાદનો તહેવાર હોવાથી આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ ચર્ચા વિચારણા કરી હતી.
આ અંગે બેઠક અંગે ડીસાના નગરસેવક વિજયભાઈ દવે અને જગદીશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી અને શહેરમાં વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે છે. બંને સમાજના લોકો એકબીજાના ધર્મ અને તહેવારોનું સન્માન કરે છે ત્યારે આજે અમે તમામે સાથે મળી શાંતિપૂર્ણ મહાલમાં તહેવાર સંપન્ન થાય તે માટે ખાત્રી આપી હતી.