ડીસામાં ગાયત્રી મંદિર સામે તંત્રએ ફાળવેલી સાર્વજનિક હેતુ માટેની સરકારી જમીન પર ટ્રસ્ટે કોટ બનાવી દબાણ કરી દેતા થયેલી ફરિયાદને પગલે આજે સીટી સર્વેના અધિકારીએ તપાસ શરૂ કરી હતી અને તેઓ નાયબ કલેક્ટરને રિપોર્ટ સુપ્રત કર્યા બાદ આગળની કાર્યવાહી થશે.

ડીસામાં નગરપાલિકાની હદમાં આવેલ સીટ નંબર 3, સીટી સર્વે નંબર 4783/અ વાળી સરકારી જમીન ગાયત્રી મંદિર ટ્રસ્ટને સાર્વજનિક હેતુ માટે ફાળવવામાં આવી હતી અને આ જમીન પર કોઈ પણ જાતનું બાંધકામ કર્યા વગર ખુલ્લી રાખી લોક ઉપયોગ માટે ફાળવી હતી. પરંતુ કોરોના મહામારી બાદ આ જમીનનો કોઈ જ સાર્વજનિક ઉપયોગ થતો નથી તેમજ ટ્રસ્ટે પણ આ જમીન પર આજુબાજુ કોટ બનાવી ગેટ મારી દેતા લોકો પણ આ જમીનનો ઉપયોગ કરી શકતા નથી.

જે મામલે સ્થાનિક જાગૃત નાગરિક હરેશ ઠક્કરે આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી સરકારી જમીન ખુલ્લી કરાવી લોકોના ઉપયોગ માટે રાખવાની માગ સાથે લેખિત રજૂઆત કરી હતી. જેને પગલે આજે સીટી સર્વેના અધિકારીએ સ્થળની તપાસ કરી હતી. તેમજ તપાસ બાદ તેનો રિપોર્ટ નાયબ કલેક્ટરને સોંપ્યા બાદ આગળની કાર્યવાહી થશે.

આ અંગે અરજદાર હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, સરકારે ગાયત્રી મંદિર ટ્રસ્ટને સાર્વજનિક હેતુ માટે આ જમીન ફાળવી હતી પરંતુ અત્યારે આ જમીન પર ચારેબાજુ કોટ કરી દેતા તેનો લોકો ઉપયોગ કરી શકતા નથી. ગાયત્રી મંદિર આજુબાજુ રોજના બે હજારથી પણ વધુ લોકો બસ કે ખાનગી વાહનોની રાહ જોવામાં રોડ પર ઉભા રહે છે. જો આ જમીન ખુલ્લી કરવામાં આવે તો તેનો લોકો ઉપયોગ કરી શકે અને જાહેરમાં ઊભા રહીને હેરાન થતા લોકોને રાહત મળી શકે.