ડીસાના બાઈવાડા ગામે યુજીવીસીએલ સબ સ્ટેશનમાં સમારકામ દરમિયાન અચાનક પાવર બ્રેકર ફાયર થતાં પાંચ કર્મચારીઓ ગંભીર રીતે દાજ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે અન્ય કર્મચારીઓએ દોડી આવી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકાના બાઈવાડા ગામે ગઈકાલે રાત્રે યુજીવીસીએલ સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર પાસે બસ કપલરમાં અવાજ આવી રહ્યો હતો. જેથી કર્મચારીઓએ તેનું સમારકામ શરૂ કર્યું હતું અને આ સમારકામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક પાવર બ્રેકર ફાયર થતાં કામ કરી રહેલા પાંચ જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા હતા. અચાનક ફાયર થતાં કર્મચારીઓ હાથ અને પગ પર ગંભીર રીતે દાજી જતા અફડા તફડી મચી ગઈ હતી.

આ બનાવને પગલે સબ સ્ટેશનમાં કામ કરતા અન્ય કર્મચારીઓ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. તેમજ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી પરંતુ ઇજાગ્રસ્ત થયેલ ડી.એન.રાવલ, ડી.સી.બાવા, કે.આઈ.પરમાર, એમ.આર.બારોટ અને એચ.ટી રાવલ સહિત તમામ કર્મચારીઓ હાલમાં સારવાર હેઠળ છે.

આ અંગે ડીસા ટ્રાન્સમિશન ડિવિઝનના કાર્યપાલક ઈજનેર એમ.જી રાઠવાએ જણાવ્યું હતું કે, બાઈવાડા ગામે જેટકોનું 66 કેવી સબ સ્ટેશન આવેલું છે. જ્યાં કર્મચારીઓ સમારકામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક બ્રેકર ફાયર થતાં ઘટના સર્જાઇ છે. જેમાં પાંચ કર્મચારીઓ દાજી જતા તેમને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પ્રાથમિક સારવાર દરમ્યાન ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે એક કર્મચારીને 50% થી વધુ ઇન્જરી હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો છે.