ડીસામાં આજે વહેલી સવારથી ફરી અવિરત વરસાદ શરૂ થઈ ગયો છે અને ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અને વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહીને પગલે ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. દિવસ અને રાત ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે જેમાં આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો. જ્યારે અનેક વરસાદી ઝાપટા પણ ખાબકયા હતા. ચાર કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થાય હતા.
જેમાં જલારામથી રિઝમેન્ટ રોડ,પિંક સીટી પાસે, હરિઓમ શાળા આગળ રોડ પર જ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રિઝમેન્ટ પાસે ખાડિયા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને આઠ જેટલા ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું હતું.
આ અંગે અસરગ્રસ્ત સરલાબેન અને દિનેશભાઈએ જણાવ્યું હતું કે, દર વખતે ચોમાસામાં તેમના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. સામાન્ય વરસાદ પડે તો પણ ઘરમાં એક થી બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતા તેમને નુકસાન વેઠવું પડે છે અને ગઈકાલથી વરસાદ શરૂ થતા તેમના ઘરમાં પાણી ભરાઈ જતા તેઓ સાધનો વડે પાણી બહાર કાઢી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેમના વિસ્તારમાં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગ કરી હતી.