ડીસામાં ભારે વરસાદને પગલે ડી એન્ડ પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને ત્રણેય સેશનના પેપરો રદ કરી આગામી 26, 27 અને 29 તારીખના રોજ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડીસામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તેમાં પણ ગઈકાલથી અવિરતપણે સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે ડીસાની ડી એન્ડ પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

ખાસ કરીને ડીસા કોલેજમાં આજુબાજુના ગામડાઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે અને ભારે વરસાદના કારણે અનેક ગામના રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર અટવાઈ ગયો છે. જેથી વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે કોલેજના સંચાલકો દ્વારા પરીક્ષા મોકૂફ રખાઈ છે.

કોલેજમાં આજે યોજનારી પરીક્ષાના ત્રણેય સેશનના પેપરો રદ કર્યા છે અને આજે 18 તારીખે યોજાનારી પરીક્ષા આગામી 26 તારીખે, 20 તારીખે લેવાનારી પરીક્ષા 27 અને 21 તારીખે યોજાનારી પરીક્ષાની 29 તારીખે લેવામાં આવશે.