ખંભાત શહેરમાં વીજ કરંટ લાગવાથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે.એક અઠવાડિયા પૂર્વે ખંભાતના કતકપુરના ત્રણ ઓરડી વિસ્તારમાં વીજ કરંટથી એક પશુનું મોત થયું હતું.એકાએક એ જ જગ્યાએ ગતરોજ ત્રણ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો.જેમાં એક પશુનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વારંવાર વીજ કરંટ લાગવાની ઘટનાઓ સામે આવતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતના કતકપુરના ત્રણ ઓરડી વિસ્તારમાં અઠવાડિયા પૂર્વે કિરણભાઈ ભરવાડની એક ગાયનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. એકાએક ગત રોજ લક્ષ્મણભાઈ મફાભાઈ ભરવાડની ત્રણ ગાયોને લટકતા જીવતા વીજ સર્વિસ વાયરોમાંથી વીજ કરંટ લાગતા એક ગાયનું ઘટના સ્તરે મોત નીપજ્યું છે.જેને કારણે પશુપાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે પશુપાલકોએ ખંભાત મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફરિયાદ નોંધાઈ હતી.જો કે ઘટનાની જાણ થતા જ વીજ કર્મચારીઓએ માત્ર થાંભલા પરથી લાઇન બંધ કરી સંતોષ માન્યો હતો.પરંતુ નીચે જમીનને અડીને આવેલ વીજ વાયરોને ઊંચાઈ સુધી ખસેડવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ ન હતી 

આ અંગે લક્ષ્મણભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, અમો વીજ કંપનીમાં ફરિયાદ આપવા ગયા હતા ત્યારે ત્યાંના ઉપસ્થિત કર્મચારીએ કહ્યું હતું કે, આજે રવિવાર છે એટલે સાહેબ નથી, કાલે આવજો.અમે ઘટના સ્થળે જઇને આવ્યા.એ સર્વિસ વાયર છે નગરપાલિકામાં લાગે. લ્યો બોલો હવે અમારે કોને કહેવું.અમારી રોજીરોટી છીનવાઇ છે.માણસનું મોત થયું હોત તો કોણ જવાબદારી લેત.

(સલમાન પઠાણ- ખંભાત)