બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં ભાજપમાં અસંતોષ હજુ પણ યથાવત છે. આજે નગરપાલિકામાં મહિલા પ્રમુખે ચાર્જ સંભાળતા જ ઉપપ્રમુખ સહિત અનેક ભાજપના સભ્યો ગેરહાજર રહેતા ડીસાના પ્રભારીએ સભ્યોને અસંતોષ ન રાખવા સલાહ આપી હતી.
ડીસા નગરપાલિકામાં ભાજપમાં ભારે જૂથવાદ ચાલી રહ્યો છે. જેમાં અગાઉ બે જૂથ વચ્ચેની સ્પર્ધામાં ચાર દિવસ અગાઉ પાર્ટીએ પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવેને મેન્ડેડ આપતા વિરોધી જૂથ નારાજ થયું હતું. ઉપપ્રમુખ સહિત 12 ભાજપના અને 2 અપક્ષ સહિત કુલ 14 સભ્યો તરત જ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
જો કે, તે સમયે જિલ્લા પ્રમુખ સહિત આગેવાનોએ સભ્યોને સમજાવતા મામલો શાંત પડ્યો હતો. પરંતુ પાર્ટી એ ત્યાર બાદ કોઈ જ સંતોષકારક કાર્યવાહી ન કરતા ફરી આજે નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખે ચાર્જ સંભાળતા ફરી જૂથવાદ જોવા મળ્યો હતો.
આજે 12.39 ના વિજય મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન દવે એ ચાર્જ સંભાળ્યો હતો. જેમાં માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત શહેર સંગઠનના હોદ્દેદારો અને શુભેચ્છકોએ હાજરી આપી નવ નિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ વિરોધી જૂથના અનેક સભ્યો પ્રમુખની તાજપોષી કાર્યક્રમમાં દેખાયા ન હતા. જેમાં ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોર સહિત લગભગ 14 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા.
આ મામલે ડીસાના પ્રભારી ઉષાબેન જોશીએ પણ જણાવ્યું હતું કે, પાર્ટી બધુ જ વિચારી, જોઈને જ કોઇને જવાબદારી આપે છે તો સભ્યોએ અસંતોષ ન રાખવો જોઈએ. જ્યારે પાર્ટીએ નિર્ણય લીધો છે ત્યારે તમામ લોકોએ તેને વધાવી લેવો જોઈએ.
આ બાબતે ડીસા નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે, શહેરની પ્રગતિ વિકાસના કામોને પ્રાધાન્ય આપશે. સભ્યો કોઈ કારણોસર હાજર રહી શક્યા નથી પરંતુ એવું કંઈજ નથી બધા સાથે જ છીએ.