બનાસકાંઠા જીલ્લાના જુદા-જુદા સ્થળોએ ગાયોની ચોરી કરતી ટોળકીને ગઢ પોલીસ મથકની ટીમે ઝડપી લીધી હતી. ડીસાના કાંટ વિસ્તારના ત્રણ શખ્સોની અટકાયત કરી 19 ગાયો પરત લેવાઈ હતી. આ ગુનામાં વધુ ચાર શખ્સોના નામ ખૂલ્યા છે. જેમને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના ચંડીસર નજીક સપ્તાહ અગાઉ ચાર ગાયોની ચોરી થઈ હતી જેની ફરિયાદ ગઢ પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગે ગઢ પીએસઆઇ એસ.બી.રાજગોરે જણાવ્યું હતું કે, ટીમ બનાવી ગુનાની તપાસ હાથ ધરી હતી જેમાં ચોક્કસ બાતમીના આધારે ગાયોની ચોરી કરતી ટોળકીના ડીસાના કાંટ ગામનો ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલો જીવણજી શીવાજી સોલંકી(ઠાકોર) (ઉ.વ.22), રિક્ષા ચાલક પ્રકાશજી દેવચંદજી સોલંકી(ઠાકોર), (ઉ.વ.25) અને એક કિશોરને ઝડપી લીધો હતો. જ્યારે અતુલજી રમેશજી ઠાકોર, વિશાલજી દલપતજી ઠાકોર, મેહુલભાઇ અશોકભાઇ વાલ્‍મીકી અને ભુરસિંગ કાળુજી ઠાકોરના નામ ખુલતાં તેમને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.

આરોપીઓ છકડા રિક્ષાથી અલગ અલગ ગામોમાં જઇ છુટી ચરતી ગાયો જેમાં શંકર તથા દેશી ગાયોને હંકારી થોડે દૂર એકાંતમાં લઇ જતા હતા. તેને વાહનમાં ભરી અને ચોરી કરી લઇ જતા હતા. તેમણે ડીસા, કાંટ, દાંતીવાડાનું વાઘરોળ, અજાપુરા, ભાખર, રાણપુર, વાસણા સહિતના ગામો નજીકથી ગાયોની ચોરી કરી હતી.