ડીસાના જીઆઇડીસી વિસ્તારમાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત મરચું ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ફૂડ વિભાગની ટીમે 2100 કિલો મરચાનો જથ્થો સિલ કર્યો છે. તેમજ મરચાના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભેળસેળયુક્ત વસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને ડીસા શહેરના જીઆઇડીસી વિસ્તારમાં અનેક જગ્યાએ અખાદ્ય પદાર્થોનું મોટા પ્રમાણમા વેચાણ થતું હોવાની ફૂડ વિભાગને માહિતી મળતા ફૂડ ઇન્સ્પેક્ટર પી.આર.ચૌધરીની ટીમે મોઢેશ્વરી ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડા પાડયા હતા. જ્યાં તપાસ દરમાયન શંકાસ્પદ ભેળસેળયુક્ત મરચાનો જથ્થો મળી આવ્યો હતો.
મેજિક બોક્ષ દ્વારા ફૂડ વિભાગની ટીમે મરચાંના સેમ્પલની તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ મરચાંમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. જેથી ડીસાના ફૂડ અધિકારીએ હાલ તો તપાસ સાથે મરચાંના સેમ્પલ લઈ ફેકટરીમાં પડેલા 2100 કિલો મરચાના જથ્થાને સીલ કરવામાં આવ્યો છે. તેમજ સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી ફૂડ વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.